અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં પ્રદૂષણ નિયંત્રણ માટે કડક નિયમો બનાવવામાં આવ્યા છે, પરંતુ જ્યારે આ જ નિયમોના પાલનની વાત આવે ત્યારે 'દીવા તળે અંધારું' જેવો ઘાટ સર્જાયો છે. અમદાવાદના ચાંદલોડિયા વિસ્તારમાં મનપા દ્વારા નિર્મિત મલ્ટી લેવલ પાર્કિંગની સાઈટ પર ગંભીર બેદરકારી સામે આવતા ખુદ મનપાએ જ પોતાની આ સાઈટને દંડ ફટકારવાની ફરજ પડી છે.

શહેરમાં પ્રદૂષણ નિયંત્રણ માટે કડક નિયમો 

ચાંદલોડિયા વોર્ડમાં શ્રી ઇન્ફ્રાકોન નામની એજન્સી દ્વારા મલ્ટી લેવલ પાર્કિંગ બનાવવાની કામગીરી ચાલી રહી છે. નિયમ મુજબ કોઈપણ બાંધકામ સાઈટ પર ધૂળ અને સિમેન્ટના રજકણો હવામાં ન ફેલાય તે માટે 'ગ્રીન નેટ' અને 'સેફ્ટી નેટ' લગાવવી ફરજિયાત છે. જોકે, આ સાઈટ પર આવી કોઈ વ્યવસ્થા યોગ્ય રીતે કરવામાં આવી નહોતી.

મલ્ટી લેવલ પાર્કિંગની સાઈટ પર ગંભીર બેદરકારી

યોગ્ય પ્રોટેક્શન નેટના અભાવે બાંધકામ દરમિયાન ઉડતા સિમેન્ટ અને ક્રોંક્રિટના બારીક રજકણો (પાર્ટિકલ્સ) આસપાસના વિસ્તારમાં ફેલાતા હતા, જેના કારણે હવાનું પ્રદૂષણ વકરી રહ્યું હતું. સ્થાનિકોના સ્વાસ્થ્ય અને પર્યાવરણને થતા નુકસાનને ધ્યાને રાખીને તંત્ર દ્વારા તપાસ કરવામાં આવી હતી.ચકાસણી દરમિયાન ક્ષતિઓ જણાતા અમદાવાદ મહાનગરપાલિકાએ શ્રી ઇન્ફ્રાકોન એજન્સીને રૂપિયા 35,000નો દંડ ફટકાર્યો છે. મનપાની આ કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશ ગયો છે કે પ્રદૂષણ ફેલાવનારા ગમે તે હોય, તંત્ર કોઈની પણ શરમ રાખશે નહીં.

આ પણ વાંચો: Gir Somnath: મહાશિવરાત્રિએ સોમનાથમાં શ્રદ્ધાનો ઘોડાપૂર ઉમટશે, 5 લાખ ભક્તોના આગમનની સંભાવના વચ્ચે સુરક્ષાનો લોખંડી બંદોબસ્ત