અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરીજનોની સુવિધા માટે મોટા-મોટા બિલ્ડિંગો અને હોલ બનાવવામાં આવે છે, પરંતુ તેનું યોગ્ય સમયે આયોજન ન થતાં આ સુવિધાઓ કેવી રીતે બિસ્માર બની જાય છે તેનો ઉત્તમ નમૂનો ગોતા વિસ્તારમાં જોવા મળ્યો છે. ગોતા ખાતે સ્થાનિક લોકોના સામાજિક અને જાહેર પ્રસંગો યોજવા માટે કોર્પોરેશન દ્વારા લાખો રૂપિયાના ખર્ચે અદ્યતન સુવિધાયુક્ત કોમ્યુનિટી હોલ તૈયાર કરવામાં આવ્યો છે. આ હોલનું સિવિલ કામ ક્યારનુંય પૂરું થઈ ગયું છે, પરંતુ તંત્રની આળસ અને ઉદ્ઘાટનની મંજૂરીના અભાવે તે હજુ સુધી જનતા માટે ખુલ્લો મુકાયો નથી.
ઉદ્ઘાટન પહેલા જ કંડિશન ખરાબ
આશ્ચર્યની વાત એ છે કે જે હોલ હજુ સુધી સત્તાવાર રીતે શરૂ પણ નથી થયો, તેની હાલત અત્યારથી જ બિસ્માર થવા લાગી છે. હોલના કમ્પાઉન્ડમાં અને અંદરના ભાગે જાળવણી રાખવા માટે કોઈ ચોકીદાર કે સફાઈ કર્મચારી ન હોવાથી ત્યાં ગંદકીના સામ્રાજ્ય વ્યાપી ગયા છે. જનતાને પીવાના ઠંડા પાણીની સુવિધા મળી રહે તે માટે લાવવામાં આવેલા બ્રાન્ડ ન્યૂ વોટર કુલર્સ (Water Coolers) પણ બોક્સમાંથી બહાર કાઢ્યા વગર જ ધૂળ ખાઈ રહ્યા છે. જો લાંબો સમય આ સાધનો આવી જ રીતે પડ્યા રહેશે, તો તે વાપર્યા વગર જ બગડી જશે તેવી પૂરેપૂરી આશંકા છે.
