વાપી : વાપીમાં છેલ્લા કેટલાક સમયથી વિવિધ વિસ્તારોમાં સીવર લાઈન અને પીવાના પાણીની નવી પાઈપલાઈન નાખવાની કામગીરી ચાલી રહી છે. જોકે આ કામગીરીની ગતિ અત્યંત મંથર હોવાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે હવે આ કામગીરીની ગુણવત્તાને લઈને પણ ગંભીર સવાલો ઉભા થયા છે.

સીવર લાઈન સાથે જ પીવાના પાણી માટે પીવીસી પાઈપ નખાઈ રહ્યા છે, જે ભવિષ્ય માટે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. જો આગામી સમયમાં પીવીસી પાઈપ ક્યાંકથી તૂટી જાય અથવા તેમાં લીકેજ સર્જાય તો વરસાદી પાણી તેમજ સીવરનું ગંદુ પાણી સીધું પીવાના પાણીમાં ભળી શકે છે. જેના કારણે નળ દ્વારા આવતું પાણી પ્રદૂષિત થવાની પૂરી શક્યતા છે.

વધુમાં હાલ જે રીતે કામગીરી ચાલી રહી છે તે જોતા ગુણવત્તા કરતાં માત્ર કામ પૂર્ણ કરવાની હોડ વધુ દેખાઈ રહી છે. આ સમગ્ર મામલે કોન્ટ્રાક્ટર અને સંબંધિત ઈજનેર સામે પણ અનેક આક્ષેપો ઉઠી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે બંનેની મિલીભગતના કારણે ગુણવત્તા વિહીન કામગીરી કરવામાં આવી રહી છે. વર્ષોથી એક જ જગ્યાએ બેસેલા આ ઈજનેર પોતાની મનમાની પ્રમાણે કામ કરી રહ્યા છે. અનેક વખત લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હોવા છતાં યોગ્ય પ્રતિસાદ મળતો નથી.

સ્થાનિકોમાં હવે માત્ર હાલની કામગીરી જ નહીં પરંતુ ભૂતકાળમાં થયેલા કામોની પણ તપાસ કરવાની માંગ ઉઠી છે. લોકોમાં હાલ સૌથી વધુ રોષ પીવીસી પાઈપલાઈનને લઈને જોવા મળી રહ્યો છે. સાથે જ હાલની કામગીરી તાત્કાલિક બંધ કરીને યોગ્ય ટેકનિકલ માપદંડ મુજબ નવી કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે. લોકોનું માનવું છે કે જો આજથી જ યોગ્ય આયોજન નહીં કરવામાં આવે તો આગામી વર્ષોમાં પાણીજન્ય રોગચાળો ફેલાવાનો ખતરો વધી શકે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો