અમદાવાદ શહેરમાં આવેલા બ્રિજોની ગુણવત્તા પર ફરી એકવાર સવાલો ઉભા થયા છે. શહેરના મધ્યમાં આવેલો અને ટ્રાફિકની દ્રષ્ટિએ અત્યંત મહત્ત્વનો એવો ગાંધીબ્રિજ ગંભીર ક્ષતિઓનો સામનો કરી રહ્યો છે. નિરીક્ષણ દરમિયાન જાણવા મળ્યું છે કે બ્રિજમાં અનેક જગ્યાઓ પર પોપડા ઉખડી ગયા છે, જેના કારણે નીચેના લોખંડના સળિયા પણ ખુલ્લા દેખાવા લાગ્યા છે.
મોટા ખતરાની ઘંટડી
એટલું જ નહીં, બ્રિજના મુખ્ય પિલરોમાં પણ પ્લાસ્ટર ઉખડવાના કારણે સળિયા દેખાવા લાગ્યા છે, જે બ્રિજની માળખાકીય સુરક્ષા માટે મોટો ખતરો છે. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ AMC દ્વારા આ બ્રિજના સ્પાન અને બેરિંગ બદલવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, તેમ છતાં બ્રિજમાં આ પ્રકારની ક્ષતિઓ સામે આવતા AMCની રિપેરિંગની ગુણવત્તા સામે ગંભીર શંકાઓ ઊભી થઈ છે. શહેરીજનોમાં આ બ્રિજ પરથી પસાર થવા અંગે ફફડાટ ફેલાયો છે. તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ ક્ષતિઓ દૂર કરીને બ્રિજની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે તે જરૂરી છે.













