સાબરમતી નદીમાં માછલીઓના મોત અંગે સત્તાધીશો અજાણ, જળયાત્રાના નામે 22મી સુધીમાં પાણી આવશે
દેશની સૌથી વધુ પ્રદૂષિત નદીઓમાંની એક એવી સાબરમતી નદીમાં સફાઈ કરવાનુ એક નાટક મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને રાજકીય નેતાઓએ આ મહિનાની શરૂઆતમાં કર્યું હતું.જે દરમિયાન ફોટો સેશન કરી અલગ અલગ સોશિયલ મીડિયા ઉપર નદી સફાઈને લઈ વાહવાહી મેળવવા પ્રયાસ કરાયો હતો. દરમિયાન ગુરુવારે સાબરમતી નદીમાં રેલવે બ્રિજ પાસે નદીના વચ્ચેના ભાગમાં પાણીના અભાવે મોટી સંખ્યામાં માછલીઓના મોત થયા હોવા અંગેનો વીડિયો સોશિયલ મીડિયા ઉપર વાઈરલ થયો છે. સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને આ બાબતમાં પૂછાતા તેઓ આ બાબતે કશું જાણતા નહોતા. ઉપરથી તેમના કહેવા પ્રમાણે, જગન્નાથ મંદિર ખાતેથી દર વર્ષે રથયાત્રા અગાઉ નીકળતી જળયાત્રાને ધ્યાનમાં લઈ સિંચાઈ વિભાગને નદીમાં પાણી છોડવા રજૂઆત કરાઈ છે. 22 જૂન સુધીમાં નદીમાં પાણી આવી જશે.










