બાગેશ્વર ધામના પીઠાધીશ્વર ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી પોતાના દિવ્ય દરબાર અને ચમત્કારોના દાવાઓને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે. ગુજરાત સહિત દેશભરમાં તેમના લાખો ભક્તો છે, પરંતુ તેમની આ લોકપ્રિયતાની સાથે વિવાદોનો પણ જૂનો નાતો રહ્યો છે. તેમના નિવેદનો અને દાવો અવારનવાર સોશિયલ મીડિયા અને રાજકારણમાં તોફાન મચાવે છે. અહીં તેમના જીવન સાથે જોડાયેલા એવા 5 મોટા વિવાદો પ્રસ્તુત છે જેણે દેશભરમાં ભારે ચર્ચા જગાવી હતી.

નાગપુરમાં મોટો વિવાદ થયો હતો

સૌથી મોટો વિવાદ જાન્યુઆરી 2023માં મહારાષ્ટ્રના નાગપુરમાં સામે આવ્યો હતો, જ્યાં અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના શ્યામ માનવે બાબાને ખુલ્લો પડકાર ફેંક્યો હતો. તેમણે જાહેરાત કરી હતી કે જો બાબા મંચ પર પોતાની ચમત્કારિક શક્તિઓ સાબિત કરે તો તેમને 80 લાખ રૂપિયાનું ઇનામ અપાશે. આ દરમિયાન બાબા કથા અધવચ્ચે છોડીને ભાગી ગયા હોવાના આક્ષેપો પણ થયા હતા, જેનો ધીરેન્દ્ર શાસ્ત્રીએ સખત ઇનકાર કર્યો હતો. આ ઉપરાંત, તેઓ પોતાના મંચ પરથી સતત ભારતને "હિન્દુ રાષ્ટ્ર" બનાવવાની હિમાયત કરે છે અને તેમનું સૂત્ર "તુમ મેરા સાથ દો, મેં તુમ્હે હિન્દુ રાષ્ટ્ર દૂંગા" ભારે રાજકીય વિવાદનું કારણ બન્યું છે.

કુંભલગઢ કિલ્લા પર ભગવો ધ્વજ લહેરાવાનું નિવેદન

રાજસ્થાનના કુંભલગઢ કિલ્લા પર લીલા ધ્વજની જગ્યાએ ભગવો ધ્વજ લગાવવાના નિવેદન બાદ તેમની સામે શાંતિ ભંગ કરવા બદલ FIR પણ નોંધાઈ ચૂકી છે.

મહારાષ્ટ્રમાં પણ બાબાએ માફી માગી હતી

 એટલું જ નહીં, મહારાષ્ટ્રના આરાધ્ય દેવ છત્રપતિ શિવાજી મહારાજ અને સંત તુકારામના પત્ની વિશે આપેલા વિવાદાસ્પદ નિવેદનોને કારણે મહારાષ્ટ્રમાં તેમનો ઉગ્ર વિરોધ થયો હતો, જેના પગલે બાબાએ જાહેરમાં માફી માંગવી પડી હતી.

ચાર બાળકોનું વિવાદાસ્પદ નિવેદન

તાજેતરમાં જ, સંઘના એક કાર્યક્રમમાં તેમણે હિન્દુઓને 'ચાર બાળકો' પેદા કરી એક બાળક દેશને સમર્પિત કરવાનું નિવેદન આપ્યું હતું, જેણે સામાજિક અને રાજકીય સ્તરે નવો વિવાદ છેડ્યો છે. આ તમામ વિવાદો છતાં બાબા બાગેશ્વરની લોકપ્રિયતા અને તેમના દરબારમાં ઉમટતી ભીડમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી.

રાજકોટમાં ઉભો થયો વિવાદ

હવે રાજકોટમાં બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની હનુમાન કથા યોજાય તે પહેલા જ મોટો વિવાદ ગરમાયો છે. શહેરમાં કથાના આયોજનને લઈને અગ્રણી પુરુષોત્તમ પીપળિયાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ મૂકીને કથાના નામે થતા પ્રપંચ સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. 


આ પણ વાંચો----     Rajkot : બાબા બાગેશ્વરની કથા પહેલા જ વિવાદના મંડાણ, કથાના નામે પ્રપંચ ચાલતો હોવાનો આરોપ