બગોદરા ભાવનગરમાં તાજેતરમાં બનેલા લઠ્ઠાકાંડમાં અનેક લોકોના મોતની ઘટનાની પૃષ્ઠભૂમિમાં દારૂની ગેરકાયદે હેરાફેરી સામે પોલીસ તંત્ર વધુ સક્રિય બન્યું છે. ત્યારે અમદાવાદ ગ્રામ્યની બગોદરા પોલીસે બગોદરા ટોલટેક્સ પાસે વાહન ચેકિંગ દરમિયાન ટ્રાવેલ્સ બસમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 625 બોટલ સહિત કુલ રૂ.11.76 લાખનો મુદ્દામાલ ઝડપી પાડયો છે. આ કાર્યવાહી દરમિયાન એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
બગોદરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.સી. ગોહિલના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ્ ટોલટેક્સ ખાતે વાહન ચેકિંગ કરી રહ્યો હતો. દરમિયાન મળેલી બાતમીના આધારે અશોક લેલન કંપનીની ટ્રાવેલ્સ બસ નં. GJ-03-AZ-0365ની તપાસ કરતાં દારૂની 625 બોટલો મળી આવી હતી. પોલીસે દારૂનો જથ્થો, બસ અને મોબાઇલ ફોન સહિત કુલ રૂ.11,76,875નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
