અમદાવાદ ગ્રામ્યના બાવળા તાલુકામાં કાયદો અને વ્યવસ્થાના રક્ષક ગણાતા સરપંચ જ કાયદાના લીરેલીરા ઉડાડતા ઝડપાયા છે. બાવળાના કેરાળા ગામમાં રહેતા વર્તમાન મહિલા સરપંચ રંજનબેન મનસુખભાઈ પટેલ પોતાના ઘરે જ દેશી દારૂ વેચવાની પ્રવૃત્તિ કરી રહ્યા હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. આશ્ચર્યની વાત એ છે કે, આ ગેરકાયદે ધંધામાં પકડાઈ જવાની બીકે સરપંચે દરવાજા પર QR કોડ સ્કેનર લગાવ્યું હતું અને માત્ર ઓનલાઈન પેમેન્ટ લઈને જ દારૂનું વેચાણ કરતા હતા.
બંધ ઓરડીમાંથી 60 લીટર દેશી દારૂનો જથ્થો જપ્ત
બાતમીના આધારે પોલીસે પંચોને સાથે રાખીને સરપંચ રંજનબેનના ઘરે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન ઘરની એક બંધ ઓરડીમાં તપાસ કરતા પોલીસને સફળતા મળી હતી. ઓરડીમાં રાખેલી છ મોટી મીણીયાની થેલીઓમાંથી પ્લાસ્ટિકની નાની કોથળીઓમાં ભરેલો પ્રવાહી જથ્થો મળી આવ્યો હતો, જેમાંથી દેશી દારૂની તીવ્ર વાસ આવતી હતી. પોલીસે ગણતરી કરતા અંદાજે 60 લીટર દેશી દારૂ (60 કોથળીઓ) મળી આવી હતી, જે તમામ જથ્થો પોલીસે કબજે કર્યો છે.
