ભારતીય જનતા પાર્ટીના નવનિયુક્ત રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નબીન આજથી તેમના ત્રણ દિવસીય ગુજરાત પ્રવાસનો પ્રારંભ કરી રહ્યા છે. રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા બાદ આ તેમનો પ્રથમ સત્તાવાર પ્રવાસ હોવાથી ગુજરાત ભાજપ દ્વારા તેમના સ્વાગત માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
એરપોર્ટ પર ભવ્ય સ્વાગત અને કાર્યકર સંમેલન
આજે બપોરે 1:15વાગ્યે નીતિન નબીન અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરશે. તેમના સ્વાગત માટે એરપોર્ટ મેદાને એક વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. અહીં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો ઉમટી પડ્યા છે. એરપોર્ટ પર જ એક ભવ્ય અભિવાદન કાર્યક્રમ યોજાશે, જેમાં તેઓ હજારો કાર્યકરોને સંબોધિત કરી સંગઠનમાં નવી ઉર્જા ફૂંકશે.
MP-MLA સાથે વ્યૂહાત્મક બેઠક
એરપોર્ટ પરના કાર્યક્રમ બાદ, બપોરે 3:30 વાગ્યે નીતિન નવીન અમદાવાદમાં આવેલી GSC બેંક ખાતે પહોંચશે. અહીં તેઓ રાજ્યના તમામ સાંસદો (MP) અને ધારાસભ્યો (MLA) સાથે બેઠક યોજશે. આ બેઠકમાં આગામી રાજકીય રણનીતિ અને સંગઠનાત્મક બાબતો પર ચર્ચા થવાની શક્યતા છે.
ગિફ્ટ સિટીમાં 'બજેટ સંવાદ'
સાંજે 5:30 વાગ્યે તેઓ ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટી જશે. અહીં તેઓ શહેરના પ્રબુદ્ધ નાગરિકો, આર્થિક નિષ્ણાતો અને ઉદ્યોગ સાહસિકો સાથે બજેટ મુદ્દે સંવાદ કરશે. કેન્દ્ર સરકારના બજેટની સામાન્ય માણસ અને ઉદ્યોગ જગત પર થનારી અસરો અંગે તેઓ માર્ગદર્શન આપશે.
મુખ્યમંત્રી સાથે બેઠક અને રાત્રિ ભોજન
આજના દિવસના અંતે, રાષ્ટ્રીય અધ્યક્ષ મુખ્યમંત્રી નિવાસસ્થાને જશે, જ્યાં તેઓ રાજ્ય મંત્રીમંડળના સભ્યો સાથે બેઠક કરશે અને રાત્રિ ભોજન લેશે.