અમદાવાદની હાઈ-સિક્યોરિટી ગણાતી સાબરમતી સેન્ટ્રલ જેલની સુરક્ષા વ્યવસ્થામાં ફરી એકવાર મોટું ગાબડું જોવા મળ્યું છે. જેલ પ્રશાસન દ્વારા હાથ ધરવામાં આવેલી આકસ્મિક તપાસ દરમિયાન 'બડા ચક્કર' વિભાગમાંથી એક સ્માર્ટફોન મળી આવતા ખળભળાટ મચી ગયો છે. કેદીઓએ પોલીસની નજરથી બચવા માટે જેલના બાથરૂમની ટાઇલ્સ પાછળ ખૂબ જ ચાલાકીપૂર્વક આ મોબાઇલ છુપાવ્યો હતો. જોકે, ઝડપાયેલા આ મોબાઇલમાં સીમકાર્ડ મળી આવ્યું નથી, જેને કારણે જેલની અંદર નેટવર્ક કઈ રીતે ઓપરેટ થતું હતું તે એક મોટો સવાલ બની રહ્યો છે.
જેલમાં સ્માર્ટ કેદીનો સ્માર્ટફોન
આ ઘટના સામે આવ્યા બાદ જેલ સત્તાધીશો દ્વારા રાણીપ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા કેદી વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો છે. જેલની મજબૂત દીવાલો અને સીસીટીવી કેમેરાની દેખરેખ વચ્ચે મોબાઇલ જેલના અંદરના ભાગ સુધી કઈ રીતે પહોંચ્યો, તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જેલ પ્રશાસન હવે એ બાબતની પણ તપાસ કરી રહ્યું છે કે આ મોબાઇલ ફોનનો ઉપયોગ જેલની અંદરથી કોઈ ગુનાહિત પ્રવૃત્તિ કે બહાર સંપર્ક કરવા માટે કરવામાં આવ્યો હતો કે કેમ. આ ઘટનાને પગલે જેલની બેરેકોમાં ચેકિંગ પ્રક્રિયા વધુ સઘન બનાવી દેવામાં આવી છે.
