બાવળા તાલુકાના જેકડા ગામે નજીવી બાબતમાં બે જૂથો સામસામે આવી જતાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. કારમાં ગીત વગાડવા જેવી સામાન્ય બાબતે શરૂ થયેલો વિવાદ જોતજોતામાં હિંસક અથડામણમાં ફેરવાઈ ગયો હતો, જેમાં પથ્થરમારો થતાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે અને વાહનોને ભારે નુકસાન થયું છે.
ગીતનો અવાજ ધીમો કરવાનું કહેતા વણસી સ્થિતિ
પ્રાપ્ત માહિતી અનુસાર, જેકડા ગામે એક પક્ષ દ્વારા કારમાં મોટેથી ગીતો વગાડવામાં આવી રહ્યા હતા. આ અવાજથી અન્ય પક્ષે વાંધો ઉઠાવ્યો હતો અને ગીતનો અવાજ ધીમો કરવાનું કહેતા બંને જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ગણતરીની મિનિટોમાં આ વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું અને બંને પક્ષો વચ્ચે પથ્થરમારો શરૂ થઈ ગયો હતો.
પથ્થરમારાના કારણે કારના કાચ તૂટી ગયા
આ પથ્થરમારાની ઘટનામાં રસ્તા પર પડેલી બે સ્વીફ્ટ કારને નિશાન બનાવવામાં આવી હતી. પથ્થરમારાના કારણે કારના કાચ તૂટી ગયા હતા અને વાહનોને ભારે નુકસાન પહોંચ્યું હતું. આ અથડામણમાં એક વ્યક્તિ પથ્થર વાગવાથી ઈજાગ્રસ્ત થયો હોવાના અહેવાલ છે, જેને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
પોલીસ કાર્યવાહી અને ફરિયાદ
ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસનો કાફલો જેકડા ગામે દોડી ગયો હતો અને પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ગામમાં વધુ અશાંતિ ન ફેલાય તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે બંને પક્ષોની રજૂઆત સાંભળીને 8 થી 9 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. હાલમાં પોલીસે પથ્થરમારો કરનારા અને શાંતિ ડહોળનારા તત્વોની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: Surat: ગણેશ વિસર્જનમાં છેડતીનો વિરોધ કરતા થયેલી ડબલ મર્ડર કેસમાં બે આરોપીઓને આજીવન કેદ