ગુજરાતમાં મતદાર યાદી સુધારણા (Special Summary Revision - SIR)ની કામગીરી માટે બૂથ લેવલ ઓફિસર (BLO) તરીકે ફરજ બજાવતા શિક્ષકો પરના વધારાના કામના ભારણ અને તણાવને કારણે છેલ્લા કેટલાક દિવસોમાં બનેલી જીવલેણ ઘટનાઓએ રાજ્યવ્યાપી ચિંતા જગાવી છે. ખેડા, દાહોદ, ગીર સોમનાથ અને વડોદરામાં બનેલી ચાર કરુણ ઘટનાઓએ શિક્ષક સંઘો અને રાજકીય પક્ષોને સરકાર સામે આક્રોશ વ્યક્ત કરવાની ફરજ પાડી છે.


 કામના ભારણે લીધા ચાર જીવ

BLOની ફરજના બેવડા ભારણ અને સતત તણાવને કારણે આ દુઃખદ ઘટનાઓ બની હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. ખેડા નવાપુરા પ્રાથમિક શાળાના આચાર્ય રમેશભાઈ પરમારનું હૃદયરોગના હુમલાથી નિધન થયું. પરિવારજનોનો આક્ષેપ છે કે મોડી રાત સુધી BLOની કામગીરી કરવાના કારણે તેઓ ડિપ્રેશનમાં રહેતા હતા. વડોદરા સયાજીગંજના પ્રતાપ સ્કૂલમાં BLOની કામગીરી દરમિયાન ઉષાબેન સોલંકીની તબિયત લથડતાં તેમને SSG હોસ્પિટલ ખસેડાયા, જ્યાં હાર્ટ એટેકથી તેમનું મોત થયું. તાપી (વાલોડ): બેલ્ધા ગામના BLO સહાયક અને પ્રાથમિક શાળાના આચાર્ય કલ્પનાબેન પટેલ (56 વર્ષ)નું પણ રાત્રિ દરમિયાન તબિયત લથડતાં હાર્ટ એટેકથી મૃત્યુ થયું. જોકે, મુખ્ય BLOએ તેમના પર કામનું કોઈ દબાણ ન હોવાનો દાવો કર્યો છે. કોડીનાર (ગીર સોમનાથ): દેવળી ગામે રહેતા એક શિક્ષકે ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો. પોલીસે સ્થળ પરથી મળેલી સુસાઇડ નોટ કબજે કરી છે, જેમાં સ્પષ્ટપણે 'SIRની કામગીરીથી ત્રસ્ત' હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

 શિક્ષક સંઘનું ઉગ્ર પગલું કામગીરીનો બહિષ્કાર

આ ગંભીર અને પુનરાવર્તિત ઘટનાઓ બાદ શિક્ષક સંઘે ઉગ્ર વલણ અપનાવ્યું છે. કોડીનારના શિક્ષકના આપઘાતને BLOની કામગીરીના અસહ્ય ભારણનું પરિણામ ગણીને શિક્ષક સંઘે BLOની કામગીરીનો તાત્કાલિક બહિષ્કાર કરવાની જાહેરાત કરી છે. શિક્ષક સંઘોએ આક્ષેપ કર્યો છે કે શિક્ષકોને શિક્ષણ સિવાયની કામગીરીમાં જોતરવાથી માનસિક તણાવ વધે છે અને શિક્ષણકાર્યને પણ નુકસાન થાય છે. આ બહિષ્કારની અસર હવે માત્ર કોડીનાર નહીં, પરંતુ રાજ્યભરમાં દેખાશે. આ મામલે રાજકીય પક્ષોએ પણ સરકાર સામે શિક્ષકો પરના કામના ભારણને તાત્કાલિક ઘટાડવાની માગણી કરી છે.

  • Follow us on: