સરખેજ વિસ્તારમાં આવેલી એલ.જે. કોલેજની પાછળના ભાગે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં એક ગેરેજની સામે લાંબા સમયથી પાર્ક કરેલી મર્સિડીઝ કારમાંથી આશરે 40 વર્ષીય અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભય અને આશ્ચર્યનો માહોલ ફેલાયો છે.

પાર્ક કરેલી કારમાંથી મૃતદેહ મળ્યો

મળતી માહિતી મુજબ, એલ.જે. કોલેજની પાછળ અવાવરુ જગ્યામાં એક ગેરેજ આવેલું છે, જેની સામે એક લક્ઝરી મર્સિડીઝ કાર છેલ્લા 8 મહિનાથી બંધ હાલતમાં પડી હતી. આજે આ કારમાંથી અસહ્ય દુર્ગંધ આવતા સ્થાનિકોએ તપાસ કરી હતી, જેમાં કારની અંદર એક પુરુષનો મૃતદેહ જોવા મળ્યો હતો. ઘટનાની જાણ થતા જ સરખેજ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.

ડી-કમ્પોઝ હાલતમાં મૃતદેહ

પોલીસના જણાવ્યા અનુસાર, મૃતદેહ અત્યંત ખરાબ હાલતમાં એટલે કે ડી-કમ્પોઝ (સડેલી) અવસ્થામાં મળી આવ્યો છે. પ્રાથમિક તપાસમાં એવું લાગી રહ્યું છે કે આ વ્યક્તિનું મોત આશરે બે દિવસ પહેલા થયું હોવું જોઈએ. જોકે, 8 મહિનાથી એક જ જગ્યાએ પડી રહેલી કારમાં આ વ્યક્તિ ક્યારે અને કેવી રીતે પ્રવેશ્યો તે એક મોટો પ્રશ્ન છે.આ મામલે રહસ્ય ઘેરાતા પોલીસે FSL (ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી) ની ટીમની મદદ લીધી છે. એફએસએલ દ્વારા કારના નમૂના અને મૃતદેહની તપાસ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: Rajkot: બસ સ્ટેન્ડ પાસે ખાનગી સ્કૂલ બસની બ્રેક ફેલ થતા અકસ્માત, ઉભેલી કારને અડફેટે લેતા બે વ્યક્તિ ગંભીર ઈજાગ્રસ્ત