અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા ઔદ્યોગિક ધામ વટવા GIDCમાં માળખાકીય સુવિધાઓની બકાલત છતી કરતી ગંભીર સમસ્યા સામે આવી છે.GIDCના મુખ્યતેમજ આંતરિક માર્ગો પર બનાવેલી ફૂટપાથો અને ડ્રેનેજ કવરો અત્યંત બિસ્માર અને તૂટેલી હાલતમાં ફેરવાઈ ગયા છે. રસ્તાની બાજુમાં આવેલી નાળાઓ પરના કોંક્રિટના સ્લેબ તૂટી જતાં ઠેર-ઠેર ભયાનક ખુલ્લા ખાડા સર્જાયા છે, જેના કારણે સ્થાનિક રાહદારીઓ અને ઉદ્યોગોમાં કામ કરતા શ્રમિકોના માથે અકસ્માતનો સદાકાળ ખતરો તોળાઈ રહ્યો છે. મહત્વનું છે કે વટવા GIDC એવો વિસ્તાર છે જ્યાં રોજિંદા ધોરણે હજારો શ્રમિકો, કારીગરોઅને વાહનચાલકોની સતત ધમધમાટ રહે છે. ફૂટપાથો પગપાળા ચાલવા માટે બનાવવામાં આવે છે, પરંતુ હાલ આ ફૂટપાથો પર ચાલી શકાય તેવી સ્થિતિ જ રહી નથી. ઠેર-ઠેર તૂટી ગયેલા સ્લેબને કારણે ચાલતી વખતે સહેજ પણ નજર ચૂકી જવાય તો માણસ સીધો નાળામાં ખાબકે તેવી દહેશત ઊભી થઈ છે. વિસ્તારના લોકોનું કહેવું છે કે રાત્રિના સમયે અથવા પૂરતા સ્ટ્રીટ લાઇટના અભાવે આ ખુલ્લા ડ્રેઇન અને તૂટેલા સ્લેબ દેખાતા નથી. નાઇટ શિફ્ટમાં કામ કરીને પરત ફરતા શ્રમિકો માટે આ ફૂટપાથો મૃત્યુપાશ સમાન બની ગઈ છે. ચોમાસા દરમિયાન જ્યારે આ ખાડા પાણીથી ભરાઈ જશે ત્યારે સ્થિતિ વધુ ગંભીર અને જીવલેણ બની શકે છે.
