અમદાવાદના ઓઢવ વિસ્તારમાં પોલીસે એક સગીર વયના કિશોરને ગેરકાયદેસર હથિયાર સાથે ઝડપી પાડ્યો છે. આ કેસમાં ચોંકાવનારી વિગત એ સામે આવી છે કે, સગીર પોતાની પિતરાઈ બહેનની રક્ષા કરવા અને તેને હેરાન કરનારા તત્વોને ડરાવવા માટે આ હથિયાર લાવ્યો હતો.
સોશિયલ મીડિયા પર હથિયાર પ્રદર્શન પડ્યું ભારે
સગીરે હથિયાર સાથેનો એક ફોટો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર અપલોડ કર્યો હતો. આ ફોટો ઓઢવ પોલીસના સર્વેલન્સમાં આવતા પોલીસે તુરંત કાર્યવાહી કરી કિશોરને દબોચી લીધો હતો. પોલીસ તપાસમાં તેની પાસેથી એક ગેરકાયદેસર હથિયાર મળી આવ્યું છે.
UPથી આ હથિયાર ખરીદીને લાવ્યો
પોલીસ પૂછપરછમાં સગીરે કબૂલાત કરી છે કે તેની પિતરાઈ બહેનને કેટલાક અસામાજિક તત્વો છેલ્લા ઘણા સમયથી ઇન્સ્ટાગ્રામ (Instagram) પર મેસેજ કરીને પરેશાન કરતા હતા. બહેનને હેરાન કરનારા શખ્સોને ધમકાવવા અને ડરાવવા માટે તે આશરે 7 મહિના પહેલા ઉત્તર પ્રદેશ (UP) થી આ હથિયાર ખરીદીને લાવ્યો હતો.
પોલીસની કાર્યવાહી
ઓઢવ પોલીસે હથિયાર જપ્ત કરી સગીર વિરુદ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. જોકે, આ કેસમાં સગીરનો હેતુ ગુનાહિત નહોતો પરંતુ કાયદો હાથમાં લેવો તેને ભારે પડ્યો છે. પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે યુપીમાં કયા શખ્સ પાસેથી આ હથિયાર મેળવવામાં આવ્યું હતું અને ઇન્સ્ટાગ્રામ પર યુવતીને હેરાન કરનારા શખ્સો કોણ છે.
આ પણ વાંચો: Gondal: 2019ના હત્યા કેસમાં ન્યાય, સેશન્સ કોર્ટે મુખ્ય આરોપીને ફટકારી આજીવન કેદ