અમદાવાદના જોધપુર વોર્ડમાં સ્ટાર બજાર પાછળ નિર્માણાધીન 'ત્રિનયન' રહેણાંક સ્કીમની કન્સ્ટ્રક્શન સાઈટની દીવાલ ધસી પડતાં રસ્તા પર પાર્ક કરેલી એક કાર મસમોટા ખાડામાં ખાબકી હતી. શનિવારે રાત્રે પડેલા વરસાદને કારણે બનેલી આ ઘટનામાં ડાયાફ્રેમ વોલ તૂટવાની સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનની ડ્રેનેજ લાઈન અને રોડને પણ નુકસાન થયું હતું. બે બેઝમેન્ટ અને ૧૦ માળના બાંધકામ માટે વર્ષ-૨૦૨૫માં આ પ્લાન મંજૂર કરાયો હતો.
અધિકારીઓએ દબાવી રાખેલી આ ઘટના સોમવારે બહાર આવતાં, એસ્ટેટ વિભાગે બાંધકામ સ્થગિત કરી ડેવલપરની رજાચિઠ્ઠી રદ કરવાની પ્રક્રિયા શરૂ કરી છે. ટી.પી. કમિટીના ચેરમેન અને કોર્પોરેટર પણ સ્થળ પર પહોંચ્યા હતા. ઝોનના ડેપ્યુટી એસ્ટેટ ઓફ્સિરના જણાવ્યા મુજબ, ઇજનેર અને એસ્ટેટ વિભાગની સંયુક્ત તપાસ બાદ ડેવલપરને કરવામાં આવનારી પેનલ્ટીની રકમ નક્કી કરાશે, જ્યારે ડ્રેનેજ પ્રોજેક્ટના અધિકારીઓ આ અંગે મ્યુનિસિપલ કમિશનરને રિપોર્ટ સોંપશે.
