સ્માર્ટ સિટી અમદાવાદમાં ખાણી-પીણીની ગુણવત્તા પર ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. અમદાવાદ શહેરના પોશ ગણાતા સીજી રોડ વિસ્તારમાં આવેલી જાણીતી બેકરી 'BEE KEY BEKARS' (બી કી બેકર્સ) માંથી ખરીદેલી નાનખટાઈમાં જીવતી અને મૃત જીવાતો મળી આવતા ચકચાર મચી જવા પામી છે. આ દૂષિત નાનખટાઈ ખાધા બાદ એક ગ્રાહકના મિત્રને ઉલ્ટીઓ થતા સમગ્ર મામલો ગંભીર બન્યો છે.
ઘટનાની વિગત
ઘટનાની મળતી માહિતી અનુસાર, એક જાગૃત ગ્રાહકે સીજી રોડ પર આવેલી BEE KEY BEKARSમાંથી નાનખટાઈનું પેકેટ ખરીદ્યું હતું. ઘરે જઈને જ્યારે પેકેટ ખોલવામાં આવ્યું હતું, ત્યારે તેમાં નાનખટાઈની ઉપર અને અંદર જીવાતો તરવરતી જોવા મળી હતી. આ દ્રશ્ય જોઈને ગ્રાહક અને તેનો પરિવાર ચોંકી ઉઠ્યો હતો. દુર્ભાગ્યવશ, આ નાનખટાઈ પરિવારની નાની દીકરી અને એક મિત્રએ પણ ખાધી હતી.
https://x.com/sandeshnews/status/2036861618676764764
તબિયત લથડી અને ફરિયાદ
BEE KEY BEKARSની નાનખટાઈ ખાધાના થોડા સમય બાદ જ ગ્રાહકના મિત્રને ઉલ્ટીઓ થવાની ફરિયાદ ઉઠી હતી. સ્થિતિ પારખીને પરિવારે તાત્કાલિક ખામીયુક્ત તમામ નાનખટાઈનો નિકાલ કર્યો હતો. આ બેદરકારી અંગે ગ્રાહકે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગને ઈમેલ દ્વારા સત્તાવાર ફરિયાદ કરી કડક કાર્યવાહીની માગ કરી છે.

AMC ફૂડ વિભાગની કામગીરી
અમદાવાદ શહેરમાં અવારનવાર ખાદ્ય સામગ્રીમાંથી જીવાત કે અશુદ્ધિઓ નીકળવાની ઘટનાઓ સામે આવી રહી છે. જાણીતી બ્રાન્ડ હોવા છતાં સ્વચ્છતાના નિયમોનું પાલન ન થતું હોવાનું આ કિસ્સામાં સ્પષ્ટ જણાય છે. હવે જોવાનું એ રહેશે કે, AMC ફૂડ વિભાગ BEE KEY BEKARS સામે દંડકીય કાર્યવાહી કરે છે કે પછી તેને સીલ મારવામાં આવે છે.
આ પણ વાંચો - Ahmedabad News: વટવા GIDC પોલીસને મળી મોટી સફળતા, લૂંટ અને હત્યાના ગુનામાં 27 વર્ષથી નાસતો આરોપી ઝડપાયો