ધી ઇન્સ્ટિટયૂટ ઓફ્ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ્ ઇન્ડિયા (ICAI) ની અમદાવાદ બ્રાન્ચ દ્વારા બુધવારે 'સીએ ડે'ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ નિમિત્તે પ્રોફેશનલ્સમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા અને રાષ્ટ્રભાવનાને સુદ્રઢ કરવાના ઉદ્દેશ્ય સાથે વહેલી સવારે 'વૉકાથોન' અને ત્યારબાદ ભવ્ય CA ફ્લેગ હોસ્ટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. વહેલી સવારે ૬:૦૦ વાગ્યે અમદાવાદના આકર્ષણ સમાન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે એક ભવ્ય વૉકાથોનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ, વિદ્યાર્થીઓ અને અગ્રણી નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાયા હતા. ફ્ટિનેસ અને તંદુરસ્ત જીવનશૈલીના સંદેશ સાથે યોજાયેલી આ વૉકાથોન આકર્ષણનું કેન્દ્ર બની હતી.ICAI અમદાવાદના ચેરમેન સીએ રિંકેશ શાહે આ પ્રસંગે તમામ સભ્યોને સીએ દિવસની શુભેચ્છાઓ પાઠવતા કહ્યું કે, દેશના આર્થિક વિકાસમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ હંમેશા 'બેકબોન' સમાન રહ્યા છે. આ વિશેષ દિવસે વૉકાથોન દ્વારા અમે હેલ્થ એન્ડ વેલનેસનો મેસેજ આપવાનો પ્રયાસ કર્યો છે અને ધ્વજવંદન દ્વારા રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પુનઃ દોહરાવી છે.આ સમગ્ર કાર્યક્રમમાં ICAI અમદાવાદ મેનેજિંગ કમિટીના સભ્યો, વરિષ્ઠ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો