વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2027ને અનુલક્ષીને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મુંબઈના ધ તાજ મહલ પેલેસ ખાતે રોડ-શો બાદ દેશના અગ્રણી ઉદ્યોગપતિઓ સાથે વન-ટુ-વન બેઠકો યોજી ગુજરાતમાં નવા રોકાણ અને ઔદ્યોગિક વિસ્તરણની તકો અંગે ચર્ચા કરી હતી. મુખ્યમંત્રીએ ઉદ્યોગજગતના અગ્રણીઓને સમિટમાં ભાગીદાર બનવા આમંત્રણ આપ્યું હતું.
મહિન્દ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિન્દ્રાએ ગુજરાતમાં રોકાણના પોતાના અનુભવો શેર કરતાં જણાવ્યું કે, તેમની ગુજરાતમાં રોકાણ અંગેની પ્રથમ બેઠક તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી સાથે થઈ હતી. તેમની દુરંદેશીથી તેઓ પ્રભાવિત થયા હતા. ભૂપેન્દ્ર પટેલ સાથેની મુલાકાત દરમિયાન મહિન્દ્રા ગ્રુપના ભવિષ્યના રોકાણ અને વિકાસ યોજનાઓ અંગે ચર્ચા થઈ હતી.જેમાં ગુજરાતમાં ઈવી અને ગિફ્ટ સિટી ક્ષેત્રે તકોની શોધ કરવા અંગે મહિન્દ્રા ગ્રૂપ સાથે ફળદાયી ચર્ચાઓ કરવામાં આવી હતી.
