ગુજરાતમાં ફોર્મ ભરાવાની પ્રક્રિયા પૂર્ણ થતાની સાથે જ ભાજપે પ્રચારના મેદાનમાં ઝંપલાવ્યું છે. અમદાવાદમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ વિધાનસભા વિસ્તારોના મધ્યસ્થ કાર્યાલયોની મુલાકાત લઈને ચૂંટણી પ્રચારના વિધિવત શ્રીગણેશ કર્યા છે.
કુબેરનગર કાર્યાલયથી પ્રારંભ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સૌથી પહેલા કુબેરનગર ખાતેના ભાજપના મધ્યસ્થ કાર્યાલય પહોંચ્યા હતા. અહીં તેમની સાથે ધારાસભ્ય પાયલ કુકરાણી, શહેર મહામંત્રી ગૌતમ કથિરીયા સહિતના અનેક હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં કુબેરનગર, સરદારનગર અને નરોડા વોર્ડના ઉમેદવારો પણ હાજર રહ્યા હતા. કુબેરનગર બાદ મુખ્યમંત્રી અમરાઈવાડી અને સરખેજ વિસ્તારમાં પણ મધ્યસ્થ કાર્યાલયોની મુલાકાત લેશે.
કાર્યકરોને આપ્યું ‘જીત’નું માર્ગદર્શન
કાર્યાલય ખાતે કાર્યકરોને સંબોધતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આજથી ચૂંટણી પ્રચારની શરૂઆત થઈ છે અને હું સૌ પ્રથમ કુબેરનગર આવ્યો છું. જેમને ટિકિટ મળી છે તેમને અભિનંદન, પણ કાર્યકરોને તેથી વધુ અભિનંદન કારણ કે આપણે પ્રજા વચ્ચે રહેનારી પાર્ટી છીએ. આપણે કરેલા વિકાસના કામો પ્રજા સુધી લઈ જવાના છે.
વિપક્ષ પર સાધ્યું નિશાન
CM ભૂરેન્દ્ર પટેલે વધુમાં ઉમેર્યું કે, ભાજપમાં ટિકિટ કોને મળી એ ગૌણ છે, સંગઠન જ સર્વોપરી છે. આપણે સૌ દેવ દુર્લભ કાર્યકર્તાઓ છીએ, જેમાં હું પણ આવી જાઉં છું. વિપક્ષ ભલે પોતાની ભૂમિકા નિભાવે, આપણે પ્રજાના કામો કરવાના છે. જો કોઈ તકલીફ હશે તો સાથે મળીને હલ કરીશું. મુખ્યમંત્રીની આ મુલાકાતથી ભાજપના કાર્યકરોમાં નવો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં પ્રચાર અભિયાન વધુ તેજ બને તેવી શક્યતા છે.
આ પણ વાંચો - Gujarat local body election 2026: રાજકોટમાં જગદીશ વિશ્વકર્માની આગેવાનીમાં ભાજપે કર્યા પ્રચારના શ્રીગણેશ, નારાજ કાર્યકર્તા વિશે કહી આ વાત