આજકાલ સ્કૂલો અને કોલેજોની બહાર પાન શિલાઓ, પ્રોવિઝન સ્ટોર અને નાના ગલ્લાઓ પર અલગ અલગ બ્રાન્ડના એનર્જી ડ્રિંક્સનો ક્રેઝ અભૂતપૂર્વ રીતે વધી ગયો છે. માત્ર 20થી લઈને 125-150 સુધીમાં મળતા આ એનર્જી ડ્રિંક્સ બાળકો અને યુવાનો ઇન્સ્ટન્ટ એનર્જી અને સ્ટાઇલ સ્ટેટસ માટે પી રહ્યા છે. એનર્જીના નામે પ્લાસ્ટિક કે કેનમાં વેચાતું આ પ્રવાહી નાની વયના બાળકોના શરીર અને મગજ પર ગંભીર અસરો કરી રહ્યું છે. નિષ્ણાત તબીબોના મતે, આ કોઈ હેલ્થ કે સ્પોર્ટ્સ ડ્રિંક નથી, પરંતુ કેફીન અને સુગરનું એક અત્યંત ખતરનાક કોકટેલ છે. ગુજરાત માર્કેટ સાઈઝની વાત કરીએ તો સંશોધન એજન્સીઓ અને એફ્એમસીજીના ડેટા અનુસાર, ભારતના કુલ એનર્જી ડ્રિંક માર્કેટમાં ગુજરાતનો હિસ્સો અંદાજે 8% થી 10% જેટલો છે. ગુજરાતમાં એનર્જી ડ્રિંક્સનું વાર્ષિક બજાર અંદાજે 200થી 400 કરોડ સુધી પહોંચી ગયું છે (જે દર વર્ષે 20%થી વધુના દરે વધી રહ્યું છે). રાજ્યના કુલ વેચાણમાંથી 60%થી વધુ વેચાણ માત્ર અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા મોટા શહેરો અને તેની આસપાસની શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ થાય છે. ભારતમાં એનર્જી ડ્રિંક્સનું માર્કેટ વર્ષ 2025-26માં અંદાજે અંદાજે 5000 કરોડથી 7,000 કરોડની આસપાસ પહોંચવાનો અંદાજ છે.આ સેક્ટર વાર્ષિક 15% થી 20% ના મજબૂત ગ્રોથ રેટ સાથે વધી રહ્યું છે.બજાર આટલું ઝડપથી કેમ ફૂલ્યું-ફલ્યું તેના કારણો પણ ખૂબ જ ચોંકાવનારા છે. માત્ર રુ.20 વાળા એનર્જી ડ્રીંક્સની પહેલા આવેલા પીણા 125 થી 150માં મળતા હતા, જેથી તે અમુક વર્ગ સુધી સીમિત હતા. પરંતુ એક જાણીતી કંપનીએ 20 રુપિયામાં એનર્જી ડ્રીંક્સ લોન્ચ કરીને આખું માર્કેટ બદલી નાખ્યું છે આજે નાના બાળકો અને મધ્યમ વર્ગ સુધી આ ડ્રિંક પહોંચી ગયું છે. 20 થી 35 ની પ્રાઇસ પોઇન્ટ હોવાથી શાળા-કોલેજના વિદ્યાર્થીઓ દૈનિક પોકેટ મનીમાંથી આસાનીથી ખરીદી શકે છે. ગુજરાતના નાના ગામડાઓ, હાઇવે પરના ધાબા અને સ્કૂલ-કોલેજની બહાર આવેલા નાના ગલ્લાઓ સુધી આનું નેટવર્ક વિસ્તરી ચૂક્યું છે. બીજુ કે પ્રોવિઝન સ્ટોર અને પાન ગલ્લાના વેપારીઓને સામાન્ય સોફ્ટ ડ્રિંક્સ કે દૂધ-છાશ કરતાં એનર્જી ડ્રિંક્સમાં વધુ માર્જિન કે કમિશન મળે છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો