ભારતીય ક્રિકેટ ટીમના તાજેતરના પ્રદર્શને ક્રિકેટ ચાહકો અને નિષ્ણાતોમાં ભારે નિરાશા અને નારાજગી ફેલાવી છે. ન્યૂઝિલેન્ડ સામેની નિષ્ફળતા બાદ આફ્રિકા પ્રવાસમાં પણ ટીમ ઇન્ડિયા ક્લીનસ્વીપ થતાં ચાહકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો છે. આ બેક-ટુ-બેક ક્લીનસ્વીપથી ટીમની રણનીતિ અને ખેલાડીઓની પસંદગી પર ગંભીર સવાલો ઉભા થયા છે. નિષ્ણાતો અને ક્રિકેટરસિકો દ્વારા હવે ટેસ્ટ ફોર્મેટમાં ટીમ મેનેજમેન્ટમાં મોટા ફેરફારોની માગ ઉઠી છે. મુખ્યત્વે ટેસ્ટ ટીમના કોચ અને કેપ્ટનને બદલવાની માગણી જોર પકડી રહી છે. ભારતના ભૂતપૂર્વ ખેલાડીઓ અને ક્રિકેટ એક્સપર્ટ્સનું માનવું છે કે કોચ ગૌતમ ગંભીરે ટેસ્ટ ફોર્મેટમાં કોચ પદેથી હટી જવું જોઈએ, જેથી ટેસ્ટ ક્રિકેટ માટે સ્પેશિયાલાઇઝ્ડ કોચની નિમણૂક કરી શકાય.
ટીમ ઇન્ડિયાના ખરાબ પર્ફોમન્સથી નારાજગી
ટીમની હારનું સૌથી મોટું કારણ બેટિંગ યુનિટનું નિષ્ફળ જવું ગણાવવામાં આવી રહ્યું છે. બેટર્સ સતત મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહ્યા છે, જેના કારણે ટીમ દબાણમાં આવી ગઈ. એક્સપર્ટ્સના મતે, ટેસ્ટ ફોર્મેટમાં સ્પેશિયાલિસ્ટ બેટર્સને ન રમાડવા એ ટીમ મેનેજમેન્ટની મોટી ભૂલ હતી. આફ્રિકા અને ન્યૂઝિલેન્ડ જેવા પડકારજનક પ્રવાસ પર અનુભવી અને ફક્ત ટેસ્ટ માટે જ તૈયાર બેટર્સની ગેરહાજરી ભારે પડી છે. ક્રિકેટ ચાહકો સોશિયલ મીડિયા પર પોતાની નારાજગી વ્યક્ત કરી રહ્યા છે અને ટીમ ઇન્ડિયાને ફરીથી મજબૂત બનાવવા માટે તત્કાળ પગલાં લેવાની માગણી કરી રહ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે BCCI આ માગણીઓને ધ્યાનમાં લઈને ટેસ્ટ ફોર્મેટમાં કોઈ મોટા ફેરફારો કરે છે કે કેમ.













