સ્માર્ટ સિટી અને હેરિટેજ સિટી તરીકે વૈશ્વિક સ્તરે નામના મેળવનાર અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તારની એક અમૂલ્ય ઐતિહાસિક ધરોહર તંત્રની ઘોર ઉપેક્ષાનો ભોગ બની રહી છે. અમદાવાદના CTM અને મણિનગર વિસ્તારની બિલકુલ નજીક આવેલી ઉત્તમનગરની વાવ સદીઓ જૂની પ્રાચીન વાવ આજે સરકારી ઉદાસીનતાના કારણે ગંદકી અને કચરાના ઢગલા નીચે દબાઈ ગઈ છે. એક સમયે પ્રજાની તરસ છિપાવવા અને જળ સંચયના ઉત્કૃષ્ટ ઉદાહરણ સમી આ વાવ આજે પોતે જ પોતાનું અસ્તિત્વ બચાવવા માટે આક્રંદ કરી રહી છે. મહત્વનું છે કે CTM અને મણિનગર વચ્ચેના આ વિસ્તારમાં આવેલી આ વાવ શિલ્પ અને સ્થાપત્યની દ્રષ્ટિએ ખૂબ જ અદભુત છે. વાવના પ્રવેશદ્વાર પર ઇંટો અને પથ્થરોથી બનેલી પરંપરાગત કમાનો અને ઉપરના ભાગે આવેલા વિશિષ્ટ પિલર તેના ભવ્ય ભૂતકાળની સાક્ષી પૂરે છે. પરંતુ આજે સ્થિતિ તદ્દન વિપરીત છે. વાવની અંદર ઉતરવાના પગથિયાં અને તેના કૂવા તરફ્ જતો માર્ગ પ્લાસ્ટિકની થેલીઓ, એંઠવાડ અને કચરાથી ખદબદી રહ્યો છે. સ્થાનિક સ્તરે યોગ્ય જાળવણી અને સિક્યોરિટી ન હોવાને કારણે આ પવિત્ર સ્થાપત્ય જાણે ખુલ્લી કચરાપેટીમાં ફેરવાઈ ગયું છે. એક તરફ્ અમદાવાદનાહેરિટેજ સ્થાપત્યો પાછળ લાખો રૂપિયાનો ધૂમાડો કરવામાં આવે છે, ત્યારે આ અમૂલ્ય વિરાસત પ્રત્યે આવું સાવકા જેવું વર્તન કેમ? તેવો સવાલ સ્થાનિકો ઉઠાવી રહ્યા છે. જો સમય રહેતા મ્યુનિસિપલ કોર્પોરેશન આ વાવની જાળવણી હાથ પર નહીં લે, તો કદાચ પૂર્વ અમદાવાદ એક ખૂબ જ મહત્વનો ઇતિહાસ કાયમ માટે ગુમાવી બેસશે.

મુસાફરોની પ્રતીક્ષાનો અંત : ઉમરગામને 'ફ્લાઈંગ રાણી ટ્રેનનું' કાયમી સ્ટોપેજ









