વટવા વોર્ડના ઐતિહાસિક અને સ્થાનિક લોકો માટે આસ્થાના કેન્દ્ર સમાન વાનરવટ તળાવના કાયાકલ્પ માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રશંસનીય કામગીરી હાથ ધરવામાં આવી છે. તળાવના વિકાસને વેગ આપવા માટે તંત્ર હવે એક્શન મોડમાં આવ્યું છે, જેના ભાગરૂપે તળાવમાંથી રોજિંદી ધોરણે કચરો અને પ્લાસ્ટિક દૂર કરવાનું સઘન અભિયાન શરૂ કરાયું છે. અંદાજે છ મહિના પહેલાં જ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કડક હાથે કામગીરી કરીને તળાવની ફરતે થયેલાં ગેરકાયદેસર દબાણોને સંપૂર્ણપણે દૂર કરવામાં આવ્યા હતા. દબાણો હટયા બાદ હવે આ જળાશયને વધુ સ્વચ્છ, સુંદર અને રમણીય બનાવવાના હેતુથી નિયમિત સફાઈ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. નાવડીની મદદથી ખૂણે-ખૂણેથી કચરો બહાર કઢવામાં આવી રહ્યો છે. મહત્વનું છે કે તળાવમાં વર્ષોથી જમા થયેલો પ્લાસ્ટિકનો કચરો, બોટલો અને અન્ય ગંદકીને કાયમી ધોરણે દૂર કરવા માટે AMC દ્વારા એક વિશેષ કર્મચારીની નિમણૂક કરવામાં આવી છે. આ કર્મચારી દરરોજ નાવડી લઈને તળાવની વચ્ચે તેમજ એક છેડેથી બીજા છેડે સુધી જઈને સફાઈ કરે છે. પાણીની સપાટી પર તરતો કચરો અને તળાવના ખૂણે-ખૂણે ભરાઈ રહેતી ગંદકીને નાવડીની મદદથી સહેલાઈથી બહાર કાઢવામાં આવી રહી છે. તંત્રની આ સતત અને સઘન કામગીરીના કારણે વાનરવટ તળાવ ટૂંક સમયમાં જ નવું રૂપ ધારણ કરશે તેવી આશા સ્થાનિક રહીશોમાં બંધાઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો