અમદાવાદ શહેરના વ્યસ્ત ગણાતા અનુપમ બ્રિજ નજીક અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘોર બેદરકારી સામે આવી છે. ધમધમતા રોડની વચ્ચે ખુલ્લા ગટર/મેનહોલ પર કર્મચારીઓ દ્વારા કોઈ પણ જાતના સુરક્ષા સાધનો કે યોગ્ય બેરિકેડિંગ વગર કામગીરી કરવામાં આવી રહી છે, જે વાહનચાલકો અને કામ કરતા મજૂરો માટે ભારે જોખમ ઊભું કરે છે.
મહત્વનું છે કે ચાલુ ટ્રાફ્કિ વચ્ચે રસ્તાની મધ્યમાં જ મેનહોલનું કામ ચાલી રહ્યું છે. નથી કોઈ હેલ્મેટ કે સેફ્ટી ગિયર કામ કરી રહેલા શ્રમિકોએ કોઈ પણ પ્રકારના સેફ્ટી જેકેટ, હેલ્મેટ કે બૂટ પહેર્યા નથી. ટ્રાફ્કિને ડાયવર્ટ કરવા કે ચેતવણી આપવા માટે યોગ્ય સેફ્ટી કોન કે મજબૂત બેરિકેડ મૂકવાને બદલે માત્ર AMCનું એક નાનું પાટિયું મૂકી દેવાયું છે. બ્રિજ પરથી પૂરઝડપે આવતા ટુ-વ્હીલર અને ઓટો રિક્ષા જેવા વાહનો કામ કરી રહેલા મજૂરોની સાવ નજીકથી પસાર થઈ રહ્યા છે. સેકન્ડોની ભૂલ કે વાહનનું સંતુલન બગડતાં જ મોટી દુરઘટના સર્જાઈ શકે તેમ છે. મહત્વનું છે કે શહેરમાં અવારનવાર રસ્તા પરના ખુલ્લા મેનહોલ કે સુરક્ષા વગરના કામકાજને કારણે અકસ્માતો સર્જાતા હોય છે. આમ છતાં તંત્ર અને કોન્ટ્રાક્ટરો દ્વારા સુરક્ષાના નિયમોનું પાલન કરવામાં આવતું નથી.
