સ્માર્ટ સિટી અમદાવાદમાં પ્રજાના ટેક્સના પૈસાનું કઈ રીતે પાણી થઈ રહ્યું છે અને તંત્ર સામાન્ય નાગરિકોની સુવિધા પ્રત્યે કેટલું ઉદાસીન છે, તેનો જીવતો-જાગતો નમૂનો દાણીલીમડા વિસ્તારમાં જોવા મળી રહ્યો છે. અહીંના ટ્રાફ્કિ બીટ પોલીસ સ્ટેશનની બિલકુલ સામે જ છેલ્લા 10 દિવસથી એક મોટો ભૂવો પડયો છે, જે વાહનચાલકો અને રાહદારીઓ માટે ભારે જોખમી સાબિત થઈ રહ્યો છે. આટલુ જ નહીં પોલીસ ચોકીમાં કામ કરતા પોલીસ જવાનો પણ ચોકીમાં જતા ડરી રહ્યા છે કે ભુવો આગળ વધેશે તો પોલીસ ચોકી અંદરને પણ નુકશાન થઈ શકે છે.
સ્થાનિકોનું કહેવું છે કે રાત્રિના સમયે અંધારામાં આ બેરીકેટ દેખાતા નથી, જેથી કોઈ મોટો અકસ્માત સર્જાય અને કોઈ નિર્દોષ નાગરિક પોતાનો જીવગુમાવે, શું તંત્ર ત્યારે જ જાગશે? તેવો વેધક સવાલ જનતા પૂછી રહી છે. સાથે જ આ વિસ્તારમાંથી રોજ હજારો વાહનો પસાર થાય છે. ગટરના ગંદા પાણી અને ભૂવાઓને કારણે અહીં સતત ટ્રાફ્કિ જામની સમસ્યા સર્જાય છે. સ્થાનિક રહીશો અને વેપારીઓ તંત્રની આ ઢીલી નીતિથી કંટાળી ગયા છે. લોકોની માંગ છે કે દેખાડા ખાતર મૂકેલા બેરીકેટ હટાવીને તાત્કાલિક ધોરણે ભૂવાનું કાયમી પુરાણ કરવામાં આવે અને ગટર તેમજ પાણીના લીકેજની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં આવે.










