અમદાવાદ મેટ્રો, જે શહેરની લાઈફલાઈન ગણાય છે, તેની સુરક્ષા વ્યવસ્થામાં એક ગંભીર છીંડું હોવાનું સામે આવ્યું છે. મેટ્રો સ્ટેશનો પર પોલીસ અને સિક્યોરિટી ગાર્ડનો કાફલો ખડેપગે હોવા છતાં, એક શ્વાન મેટ્રો ટ્રેક સુધી પહોંચી જવાની ઘટનાએ તંત્રની ઉંઘ ઉડાવી દીધી છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા મેટ્રો પ્રશાસન સામે ફિટકારની વર્ષા થઈ રહી છે.


સુરક્ષા હોવા છતાં ગંભીર ચૂંક

વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, મેટ્રો ટ્રેક જ્યાં હાઈ-વોલ્ટેજ વીજળીની લાઈનો પસાર થાય છે, ત્યાં એક શ્વાન બિન્દાસ્ત રખડી રહ્યું છે. મેટ્રો સ્ટેશન પર મુસાફરોની સુરક્ષા માટે સિક્યોરિટી ગાર્ડ્સ અને પોલીસકર્મીઓ સતત તૈનાત હોય છે. તેમ છતાં આ શ્વાન કેવી રીતે ટ્રેક સુધી પહોંચી ગયું, તે એક મોટો તપાસનો વિષય બન્યો છે. જો તે સમયે મેટ્રો ટ્રેન આવી હોત અથવા શ્વાન વીજ લાઈનને અડી ગયું હોત, તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.

વીજ લાઈન બંધ કરી રેસ્ક્યુ કરાયું

ઘટનાની જાણ થતા જ મેટ્રો ઓથોરિટી દોડતી થઈ ગઈ હતી. ટ્રેક પર વીજ પ્રવાહ ચાલુ હોવાથી શ્વાનનો જીવ જોખમમાં હતો, જેને પગલે તાત્કાલિક અસરથી મેટ્રોની વીજ લાઈન બંધ કરવામાં આવી હતી. ત્યારબાદ કર્મચારીઓ દ્વારા શ્વાનનું સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ પ્રક્રિયા દરમિયાન મેટ્રોની અવરજવરમાં પણ થોડો સમય વિક્ષેપ પડ્યો હોવાનું જાણવા મળ્યું છે.

આ પણ વાંચો: Valsad: સેગવીમાં દારૂ ભરેલી કાર પલટી, અકસ્માત સર્જાતા બુટલેગર કાર મૂકીને રફુચક્કર


  • Follow us on: