અષાઢી બીજના પાવન પર્વે અમદાવાદમાં પરંપરાગત જગન્નાથજીની રથયાત્રાનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ત્યારે शहरના પૂર્વ વિસ્તારમાં પણ ભક્તિનો અનોખો રંગ જોવા મળ્યો હતો. પૂર્વ વિસ્તારની વિવિધ શાળાઓ અને સામાજિક સંસ્થાઓ દ્વારા બાળ રથયાત્રા અને ભવ્ય નગરચર્યાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હજારો શ્રદ્ધાળુઓ અને વિદ્યાર્થીઓ જોડાયા હતા. પૂર્વ વિસ્તારની અનેક પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં વહેલી સવારથી જ ઉત્સવનો માહોલ હતો. નાના-નાના બાળકો ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રાના પરંપરાગત પોશાકમાં સજ્જ થઈને આવ્યા હતા. શાળાઓના સંકુલમાંથી નાની અને આકર્ષક રીતે શણગારેલી ટ્રોલીઓ અને રથ તૈયાર કરવામાં આવ્યા હતા. આ રથયાત્રા શાળાની આસપાસના સોસાયટી વિસ્તારોમાં ફરી હતી. બાળકો દ્વારા જ આ રથને ખેંચવામાં આવ્યો હતો. રથની આગળ અખાડાના કરતબો, મંજીરા મંડળી અને ભજન કીર્તન કરતા બાળકો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા.સ પરંપરાગત રીતે મગ, જાંબુ અને બુંદીના પ્રસાદનું વિતરણ કરીને બાળકોને રથયાત્રાના સાંસ્કૃતિક મહત્વ વિશે સમજાવવામાં આવ્યું હતું. માત્ર શાળાઓ જ નહીં, પરંતુ પૂર્વ વિસ્તારના વિવિધ સેવાભાવી મંડળો અને સંસ્થાઓ દ્વારા પણ વિશાળ રથયાત્રાનું આયોજન કરાયું હતું.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો