અમદાવાદ જિલ્લાના ધંધુકા-રાણપુર હાઈવે પર આજે એક હૃદયદ્રાવક અને ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ધંધુકા-રાણપુર રોડ પર આવેલા કિશાન જીન પાસે એક બેકાબૂ ટ્રક અને કાર વચ્ચે સામસામે ધડાકાભેર ટક્કર થઈ હતી. આ ભયાનક અકસ્માતમાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો, જેમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. જ્યારે એક મહિલા સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
ટ્રક સાથે કારની જોરદાર ટક્કર
ઘટનાની મળતી માહિતી અનુસાર, કારમાં સવાર મુસાફરો પોરબંદરથી લીમખેડા (દાહોદ) તરફ જઈ રહ્યા હતા. આ દરમિયાન ધંધુકા પાસે પહોંચતા જ કિશાન જીન નજીક સામેથી આવી રહેલી ટ્રક સાથે કારની જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે, ધડાકાનો અવાજ સાંભળી આસપાસના સ્થાનિક લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. કારમાં સવાર લોકો લોહીલુહાણ હાલતમાં ફસાઈ ગયા હતા, જેમાંથી એક વ્યક્તિએ ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો.













