શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વ્યસ્ત રબારી કોલોની ચાર રસ્તા અને ફ્લાયઓવરની નીચે ટ્રાફ્કિની સમસ્યા દિન-પ્રતિદિન વણસી રહી છે. તંત્રની ઘોર બેદરકારીના કારણે અહીં રોડ વચ્ચેનું ડિવાઈડર લાંબા સમયથી તૂટેલી હાલતમાં પડયું છે. આ તૂટેલા ડિવાઈડરનો લાભ ઉઠાવીને વાહનચાલકો કાયદાના લીરેલીરા ઉડાવી રહ્યા છે અને જીવના જોખમે શોર્ટકટ લઈ રહ્યા છે. મહત્વનું છે કે ડિવાઈડરનો મોટો ભાગ સંપૂર્ણપણે તૂટી ગયો છે અને ત્યાં માત્ર માટી તથા પથ્થરોનો કાટમાળ પડયો છે. લાંબો ફેરો બચાવવા માટે બાઈક અને સ્કૂટર ચાલકો આ કાચા રસ્તા પરથી પસાર થઈને સીધા સામેના રોડ પર રોંગ સાઈડમાં ઘૂસી રહ્યા છે. પિલર અને બ્રિજના કારણે સામેથી આવતા મોટા વાહનો અચાનક દેખાતા નથી, જેથી અહીં ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાવાની પૂરેપૂરી ભીતિ સેવાઈ રહી છે. સ્થાનિકોનું કહેવું છે કે રોંગ સાઈડમાંથી વાહનો અચાનક મુખ્ય માર્ગ પર આવી જતા ટ્રાફ્કિની સ્પીડ ખોરવાય છે અને વારંવાર ચક્કાજામ થાય છે. આ જગ્યાએથી લોકો રસ્તો ઓળંગતા હોય છે, પરંતુ અંધાધૂંધ શોર્ટકટ મારતા બાઈક ચાલકોના કારણે પગપાળા ચાલતા લોકો પણ અડફેટે આવી જાય છે. મહત્વનું છે કે અહીં બેરીકેટ લગાવવામાં આવે અથવા પોલીસ પોઈન્ટ મૂકવામાં આવે તેવી સ્થાનિકો દ્વારા માંગ કરવામાં આવી છે.
