અમદાવાદની સ્પેશિયલ CBI કોર્ટે ભ્રષ્ટાચાર વિરુદ્ધ કડક વલણ અપનાવતા ડેબ્ટ રિકવરી ટ્રિબ્યુનલ (DRT) ના રિકવરી ઇન્સ્પેક્ટર અનિલ શર્મા અને વકીલ અમિત કોટકને બે વર્ષની જેલની સજા ફટકારી છે. આ મામલો વર્ષ 2009નો છે, જેમાં મિલકતોની હરાજીના મુદ્દે કોર્ટમાંથી રાહત અપાવવાના બહાને આરોપીઓએ રૂ. 3.50 લાખની માંગણી કરી હતી. જે પૈકી 1 લાખની લાંચ લેતા CBIએ તેમને રંગેહાથ ઝડપી લીધા હતા. લાંબા સમય સુધી ચાલેલા આ કેસમાં કોર્ટે પુરાવાઓને આધારે બંનેને દોષિત ઠેરવી જેલની સજાની સાથે પ્રત્યેકને રૂ. 1.50 લાખનો દંડ પણ ફટકાર્યો છે.
CBI કોર્ટની લપડાક
ઘટનાની વિગતો મુજબ, ફરિયાદીની મિલકતની હરાજી અટકાવવા અને ન્યાયિક પ્રક્રિયામાં અનુકૂળતા કરી આપવા માટે રિકવરી ઇન્સ્પેક્ટર અનિલ શર્માએ વકીલ અમિત કોટક મારફતે લાંચનું નેટવર્ક ગોઠવ્યું હતું. ભ્રષ્ટાચાર નિરોધક કાયદા હેઠળ હાથ ધરાયેલી તપાસમાં સામે આવ્યું હતું કે સરકારી પદનો દુરુપયોગ કરી સામાન્ય જનતાને ડરાવી લાંચની રકમ પડાવાતી હતી. કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું હતું કે સરકારી તંત્રમાં ભ્રષ્ટાચાર આચરનારાઓ સામે કડક કાર્યવાહી જરૂરી છે, જેથી સમાજમાં દાખલો બેસે. આ ચુકાદાથી કાયદાના રક્ષકો અને વહીવટી તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે.













