ગુજરાતમાં મહિલા સુરક્ષા અને દીકરીઓની રક્ષા માટે રાજ્ય સરકાર કેટલી મક્કમ છે, તેનો જીવંત પુરાવો આટકોટમાં બાળકી પર થયેલા દુષ્કર્મના કેસમાં જોવા મળ્યો છે. આ કેસમાં આરોપીને માત્ર 40 દિવસની અંદર જ ફાંસીની સજા ફટકારવામાં આવી છે, જેને પગલે DyCM હર્ષ સંઘવીએ રાજ્યની સુરક્ષા વ્યવસ્થા અને ન્યાય પ્રક્રિયા પર ગર્વ વ્યક્ત કર્યો છે.
'દીકરીઓને હાથ લગાવશો તો જીવનનો અંત નિશ્ચિત'
આટકોટ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં DyCM હર્ષ સંઘવીએ કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં દીકરીઓ કે બહેનો પર હુમલો એટલે હુમલાખોરના જીવનનો અંત. તેમણે વધુમાં ઉમેર્યું કે, 100 દિવસની અંદર ન્યાય અપાવતું ગુજરાત દેશનું એકમાત્ર રાજ્ય બન્યું છે. આ ચુકાદો એ નરાધમો માટે એક લપડાક છે જેઓ કાયદાના ડર વગર ગુના આચરે છે.
'શોક પૂરો થાય એ પહેલા મળ્યો ન્યાય'
મહત્વનું છે કે આ ઘટના બાદ અનેક માતાઓએ સરકાર પાસે ન્યાયની ગુહાર લગાવી હતી. DyCM હર્ષ સંઘવીએ કહ્યું કે, માતાઓનો શોક પૂરો થાય તે પહેલા અમે ન્યાય અપાવ્યો છે. માત્ર 40 દિવસમાં ફાંસીની સજા એ બાબત સાબિત કરે છે કે, આપણું રાજ્ય અન્ય રાજ્યોની સરખામણીમાં સૌથી વધુ સુરક્ષિત છે.
'ભવિષ્યમાં પણ આવા અનેક કડક ચુકાદા આવશે'
રાજ્યમાં એક પણ આવી ઘટના બને તે અસ્વીકાર્ય છે, તેમ જણાવતા DyCM હર્ષ સંઘવીએ ખાતરી આપી હતી કે, ભવિષ્યમાં પણ આવી કોઈપણ અનિચ્છનીય ઘટના સામે સરકાર મજબૂતાઈથી લડશે અને આવા અનેક ઐતિહાસિક ચુકાદાઓ લાવશે. આ ચુકાદાથી રાજ્યની દરેક મહિલામાં ગર્વ અને સંતોષની લાગણી જોવા મળી રહી છે.
આ પણ વાંચો - Death Penalty in Gujarat: ગુજરાતમાં ફાંસીની સજા: કડક ચુકાદા અને કાનૂની વાસ્તવિકતા









