શહેરને સ્માર્ટ સિટી બનાવવાની વાતો વચ્ચે મણિનગર વિસ્તારમાંથી તંત્રની પોલ ખોલતી વધુ એક તસવીર સામે આવી છે. મણિનગરના વ્યસ્ત એવા આવકાર હોલની બિલકુલ સામે કોર્પોરેશનના સત્તાધીશો દ્વારા ખોદકામ કર્યા બાદ તેને એમ જ રામભરોસે છોડી દેવામાં આવ્યું છે. અધૂરા મૂકેલા કામ અને ત્યાં ભરાયેલા ગંદા પાણીના કારણે સ્થાનિક રહીશો તેમજ વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે. મહત્વનું છે કે રોડની બાજુમાં મોટો ખાડો કરીને માટીના ઢગલા રસ્તા પર જ ખડકી દેવાયા છે. એટલું જ નહીં, રસ્તાની વચ્ચે લોખંડની આડશ અડધી તૂટેલી હાલતમાં જોખમી રીતે ઊભી છે. આ અધૂરા કામને કારણે ત્યાં ગંદું પાણી જમા થઈ ગયું છે, જેમાં પ્લાસ્ટિક અને થર્મોકોલનો કચરો તરી રહ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે આવકાર હોલ વાળો આ માર્ગ અત્યંત વ્યસ્ત રહે છે. વાહનચાલકોને આ કાદવ-કીચડ અને માટીના ઢગલાને કારણે સાંકડા રસ્તા પરથી પસાર થવું પડે છે, જેના લીધે ગમે ત્યારે મોટો અકસ્માત સર્જાઈ શકે છે.

Anand: સારોલમાં વીજ સ્ટેશનનું ભૂમિપૂજન









