ધોલેરા તાલુકાના ભડીયાદ ગામના ખેડૂતો હાલમાં બેવડા સંકટનો સામનો કરી રહ્યા છે, જેના કારણે તેમની મુશ્કેલીઓ ચરમસીમાએ પહોંચી ગઈ છે. એક તરફ, ઉપરવાસના વરસાદી પાણીના કાયમી નિકાલની વ્યવસ્થા ન હોવાને કારણે 5 હજાર વિઘાથી વધુ જમીન વર્ષોથી પાણીમાં ડૂબેલી રહે છે, જેના કારણે ખેડૂતો રવિ પાક લઈ શકતા નથી. બીજી તરફ, જ્યાં પાકનું વાવેતર થયું હતું, ત્યાં માવઠાએ મોં માં આવેલો કોળિયો છીનવી લીધો છે.આ સંજોગોમાં સરકારે ખેડૂતો માટે જે રાહત પેકેજ જાહેર કર્યું, તેમાં ભડીયાદ ગામનો સમાવેશ જ ન કરાતા ખેડૂતોની ચિંતા બમણી થઈ ગઈ છે અને તેઓમાં ભારે નારાજગી ફેલાઈ છે.
ગ્રામ પંચાયત ખાતે એકત્ર થઈને આક્રોશ ઠાલવ્યો
ખેડૂતોએ તેમની આક્રોશિત વ્યથા ઠાલવવા માટે ગ્રામ પંચાયત કચેરી ખાતે એકત્રિત થઈને વિરોધ નોંધાવ્યો હતો. ખેડૂતોએ જણાવ્યું હતું કે એક તરફ પાક નિષ્ફળ ગયો છે અને બીજી તરફ સરકારી સહાયમાંથી પણ તેમને બાકાત રાખવામાં આવ્યા છે, જે તેમની સાથે અન્યાય છે.ખેડૂતોની મુખ્ય માંગણીઓ નીચે મુજબ છે.સરકારે જાહેર કરેલા રાહત પેકેજમાં ભડીયાદ ગામના તમામ અસરગ્રસ્ત ખેડૂતોને તાત્કાલિક સામેલ કરવા. પાછલા ઘણા વર્ષોથી 5 હજાર વિઘા જમીન પર ભરેલા રહેતા વરસાદી પાણીનો કાયમી ધોરણે નિકાલ લાવવા માટે નક્કર યોજના બનાવવી.










