શહેરના રામોલ વિસ્તારમાં આવેલા વન્ડર પોઈન્ટ પાસે જાહેરમાં એક બિલ્ડર પર હુમલો થવાની ઘટના સામે આવી છે. જમીનના વ્યવહાર અને પૈસાની લેતીદેતીમાં ચાલી રહેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એક શખ્સે બિલ્ડરના માથામાં હથોડી મારી ગંભીર ઈજા પહોંચાડી છે.

અમદાવાદમાં બિલ્ડર પર હુમલો

મળતી માહિતી મુજબ, બિલ્ડર રમેશભાઈ હમીરાણી અને તેમના ભાગીદાર તુષાર પ્રજાપતિ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી જમીનના પૈસા અને નોટરી કરાવવાની બાબતે વિવાદ ચાલી રહ્યો હતો. આ મુદ્દે આજે વન્ડર પોઈન્ટ પાસે બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. બોલાચાલી દરમિયાન મામલો એટલો બિચક્યો કે તુષાર પ્રજાપતિએ ઉશ્કેરાઈને રમેશભાઈના માથાના ભાગે હથોડીનો ઝીંક્યો હતો.

ઈજાગ્રસ્ત બિલ્ડર હોસ્પિટલમાં સારવાર હેઠળ

હથોડીના પ્રહારને કારણે રમેશ હમીરાણીને માથામાં ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેઓ લોહીલુહાણ હાલતમાં ઢળી પડ્યા હતા. આસપાસના લોકો એકઠા થઈ જતા હુમલાખોર ત્યાંથી ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત બિલ્ડરને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

રામોલ પોલીસની કાર્યવાહી

ઘટનાની જાણ થતા જ રામોલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ઈજાગ્રસ્ત બિલ્ડરની ફરિયાદના આધારે આરોપી તુષાર પ્રજાપતિ વિરુદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. જમીનના વ્યવહારમાં કેટલા રૂપિયાની લેતીદેતી હતી અને હુમલા પાછળ અન્ય કોઈ કારણ જવાબદાર છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો: Ahmedabad: વટવા GIDCમાં બંધ ચાની લારીમાં ચાલતું હતું દારૂનું 'પાર્લર', PCB એ ત્રાટકી 2.55 લાખનો જથ્થો કબજે કર્યો