ગીતામંદિર પાસે આવેલી એક ગેસ એજન્સીમાં ગેસ લીકેજના કારણે ભીષણ આગ ફાટી નીકળી હતી. જેને પગલે એકપછી એક ત્રણ સિલિન્ડરમાં પ્રચંડ બ્લાસ્ટ થતાં એજન્સીના માલિક સહિત ત્રણ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે. પ્રાથમિક તપાસમાં ગેરકાયદે ગેસ રિફ્લિંગ કરતી વખતે આ આગ લાગી હોવાનું કારણ સામે આવ્યું છે. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને કુલ 120 ગેસ સિલિન્ડર સહીસલામત બહાર કાઢયા હતા, જેમાંથી 15 સિલિન્ડર લીકેજ હાલતમાં હતા. જો આ સિલિન્ડરો તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા ના હોત તો મોટી જાનહાનિ થઈ હોત. ઘટનાસ્થળેથી ગેસ રિફ્લિંગ કરવા માટે વપરાતા સાધનો અને નોઝલ પણ મળી આવ્યા છે. મહત્ત્વનું છે કે, રહેણાંક વિસ્તારની નજીક આટલું મોટું ગેરકાયદે ગેસ રિફ્લિંગનું નેટવર્ક ચાલતું હોવા છતાંય એએમસી ફાયર વિભાગ અને પોલીસ સહિતના તમામ તંત્રો આનાથી તદ્દન અજાણ હતા.
ગીતામંદિર આરોગ્ય ભવનની સામે આવેલી પરમાર બિલ્ડિંગમાં આકાશ ભાવસાર નામનો શખ્સ બે દુકાનો ભાડે રાખીને ગેસ એજન્સીની આડમાં આ ધંધો કરતો હતો. શુક્રવારે સાંજે 4:30 વાગ્યે તે પોતાના અન્ય બે કર્મચારીઓ અબ્દુલ કુરેશી અને મોહમ્મદ ફિરોઝ ભટ્ટી સાથે કામ કરી રહ્યો હતો, તે દરમિયાન ગેસ સિલિન્ડર લીકેજ હોવાના કારણે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતાની સાથે જ 5-5 કિલોવાળા ગેસના 3 નાના સિલિન્ડરમાં જોરદાર બ્લાસ્ટ થયા હતા. આ બ્લાસ્ટના કારણે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં આકાશ ભાવસારની બે દુકાનો, બાજુમાં આવેલી એક ટ્રાવેલ્સની દુકાન અને બહાર પાર્ક કરેલા વાહનો આગની ઝપેટમાં આવી ગયા હતા. આ દુર્ઘટનામાં દુકાનમાં કામ કરતો આકાશ અને અન્ય બે કર્મચારીઓ દાઝી જતાં ઇજાગ્રસ્ત થયા હતા. ઘટના અંગે ફાયર બ્રિગેડને જાણ કરાતાં જ ફાયરની 10 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને ત્રણેય ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડયા હતા. ફાયરની એક ટીમે પાણી આગ બૂઝાવવાની કામગીરી શરૂ કરી હતી, જ્યારે બીજી ટીમે કોમર્શિયલ અને ઘરગથ્થુ વપરાશ માટેના 19 કિલો, 14 કિલો અને 5 કિલોવાળા અલગ-અલગ કંપનીના કુલ 120 એલપીજી સિલિન્ડર સહીસલામત બહાર કાઢયા હતા.










