કાલુપુર ટાવર પાસે અંધારામાં રિક્ષાચાલકે રિક્ષા ઉભી રાખીને ચાલક સહિત પાંચ લોકોએ સગીરને માર મારીને લૂંટી લીધો હતો. જેમાં સગીર કામ પર જવા રિક્ષામાં બેઠો હતો. આ અંગે સગીરના પિતાએ પાંચેય શખ્સો સામે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

સરસપુરમાં રહેતો 42 વર્ષીય યુવક ખાનગી દુકાનમાં નોકરી કરે છે. તેમનો 17 વર્ષીય સગીર પુત્ર ઘોરણ-10માં નાપાસ થતા પિતા સાથે કામ શીખવા જાય છે. ગત 17 જુલાઇએ તે સવારે કામ શીખવા દુકાને જવા રિક્ષામાં બેસીને કાલુપુર ચાર રસ્તા પાસે ઉતર્યો હતો. ત્યાંથી બીજી રિક્ષાની રાહ જોઇને ઉભો હતો આ દરમ્યાન એક રિક્ષાચાલક આવ્યો હતો તેમાં પેસેન્જરના સ્વાંગમાં ચાર લૂંટારૂ બેઠા હતા. જે બાદ રિક્ષાચાલકે રૂ. 10 ભાડુ નક્કી કરીને સગીરને રિક્ષામાં બેસાડયો હતો. જે બાદ રિક્ષાચાલકે કાલુપુર ટાવર તરફ્ રિક્ષા લઇ જતો હતો. આ દરમ્યાન ચાર શખ્સોએ અમને બેસતા ફાવતુ નથી કહીને સગીરને ઉતારી દેવા કહ્યુ હતુ. જે બાદ રિક્ષાચાલક સહિત ચારેય શખ્સોએ ભેગા મળીને કાલુપુર ટાવર પાસે એમ.આર.દુધિયા ડેરી પાસે અંધારામાં રિક્ષા ઉભી રાખીને સગીરને માર મારીને તારી પાસે જે કંઇ હોય તે આપી દે કહીને મોબાઇલ લૂંટીને રિક્ષા લઇને ફરાર થઇ ગયા હતા. આ અંગે સગીરને પરિવારજનોને જાણ કરતા તેઓ દોડી આવ્યા હતા. આ અંગે સગીરના પિતાએ પાંચેય સામે કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.