અમદાવાદના જમાલપુર વિસ્તારમાં આવેલા છીપાવાડની ગફુરજીની ગલીમાં એક ઘરના વાસ્તુ (નવા ઘર)ના પ્રસંગે આયોજિત જમણવાર બાદ સામૂહિક ફૂડ પોઇઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે. આ જમણવારમાં ભાગ લેનાર 34થી વધુ લોકોને ફૂડ પોઇઝનિંગના લક્ષણો દેખાતા દોડધામ મચી ગઈ હતી.
જમાલપુરમાં ફૂડ પોઇઝનિંગ
એએમસીના આરોગ્ય વિભાગના અધિકારી ડો. ભાવિન સોલંકીએ આપેલી માહિતી મુજબ, આ પ્રસંગે 50થી 100 માણસોનો જમણવાર યોજાયો હતો. જમણવારમાં રોટી, ભાત, નોનવેજ અને ખાસ કરીને ગાજરનો હલવો પીરસવામાં આવ્યો હતો. મોડી રાત્રે જમણવાર લીધા બાદ લોકોને ઉલટી, ઝાડા અને વોમીટીંગ થવા લાગ્યા હતા, જેના કારણે તેમને તાત્કાલિક અલગ-અલગ હોસ્પિટલોમાં સારવાર માટે ખસેડાયા હતા. ફૂડ પોઇઝનિંગનો ભોગ બનેલા મોટાભાગના લોકોને સારવાર માટે જમાલપુરની ચેપી રોગ હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા. રાહતની વાત એ છે કે, મોટાભાગના લોકોને ઓપીડીમાં સારવાર આપી રજા આપી દેવામાં આવી હતી, જોકે એક વ્યક્તિને હાલ હોસ્પિટલમાં એડમિટ રાખીને સારવાર આપવામાં આવી રહી છે.
