ગુજરાતના પૂર્વ અને 1999 બેચના વરિષ્ઠ IAS અધિકારી પ્રદીપ શર્માની મુશ્કેલીઓ વધી છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આવેલી વિશેષ PMLA (પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ) કોર્ટ દ્વારા તેમને મની લોન્ડરિંગના કેસમાં દોષિત ઠેરવી 5 વર્ષની કેદની સજા ફટકારવામાં આવી છે. કોર્ટે આ સજા હાલમાં જે કેસમાં તેઓ સજા કાપી રહ્યા છે, તેનાથી અલગ (સમાંતર નહીં) ભોગવવાની રહેશે તેવો આદેશ આપ્યો છે.


પૂર્વ IAS પ્રદીપ શર્માને મની લોન્ડરિંગ કેસમાં 5 વર્ષની સજા

પ્રદીપ શર્મા પર કચ્છના તત્કાલીન કલેક્ટર તરીકે ફરજ બજાવતા સમયે વેલસ્પન ગ્રુપની કંપનીને સસ્તામાં જમીન આપીને સરકારને મોટું નુકસાન પહોંચાડવાનો ગંભીર આરોપ લાગ્યો હતો. આ મામલે વર્ષ 2010માં રાજકોટ CID ક્રાઈમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ ભ્રષ્ટાચાર દ્વારા મેળવેલા કરોડો રૂપિયાને પ્રદીપ શર્માએ પોતાની પત્ની અને અમેરિકામાં રહેતા દીકરા-દીકરીના ખાતામાં મોકલ્યા હોવાનો આરોપ સાબિત થયો હતો. ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) દ્વારા આ મામલે વર્ષ 2016 અને 2018માં PMLA હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી, જેના પર હવે ચુકાદો આવ્યો છે.PMLA કોર્ટના આદેશ મુજબ, ED દ્વારા પ્રદીપ શર્માની જે સંપત્તિ ટાંચમાં લેવામાં આવી હતી, તે હવે કાયમ માટે સરકાર હસ્તક જ રહેશે.

પ્રદીપ શર્માની સંપત્તિ કાયમ માટે સરકાર હસ્તક જ રહેશે

નોંધનીય છે કે, આ પહેલા આઠ મહિના અગાઉ પણ ભુજ કોર્ટે જમીન ફાળવણીના એક અન્ય કેસમાં પ્રદીપ શર્મા સહિત ચાર અધિકારીઓને દોષિત ઠેરવી પાંચ વર્ષની કેદની સજા અને રૂ. 10 હજારનો દંડ ફટકાર્યો હતો. પ્રદીપ શર્મા અગાઉ જામનગર અને ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર તથા રાજકોટ અને કચ્છના કલેક્ટર તરીકે પણ ફરજ બજાવી ચૂક્યા છે.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 

  • Follow us on: