અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં આવેલ શિવાલિક એપાર્ટમેન્ટ નજીક આજે ગોળીબારની ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ, આ ફાયરિંગની ઘટના અંગત અદાવતમાં થઈ હોવાનું સામે આવ્યું છે, જેમાં એક મિત્રએ જ પોતાના અન્ય મિત્ર પર ગોળી ચલાવી હતી. આરોપીએ માત્ર એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું, જેના કારણે એક વ્યક્તિ ઘાયલ થયો હતો. ફાયરિંગ થતાં જ આસપાસના લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો અને ઘટનાસ્થળે લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું.
નારોલમાં દહેશત
ઘાયલ થયેલા વ્યક્તિને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટનાની જાણ થતાં જ નારોલ પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો અને સ્થળનું પંચનામું કર્યું હતું. પોલીસે ફાયરિંગ કરનાર આરોપી મિત્રને ઝડપી પાડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આ ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણવા અને આરોપીને પકડવા માટે આસપાસના સીસીટીવી ફૂટેજની મદદ લેવા સહિતની વધુ તપાસ હાથ ધરી છે.
