શહેરના સાયન્સ સિટી ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના મિશન ફાઈવ મિલિયન ટ્રી અંતર્ગત અંદાજે 1.25 કરોડ વૃક્ષોના સામૂહિક વૃક્ષારોપણનો કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહના હસ્તે પ્રારંભ કરાયો હતો. આ સાથે જ એએમસી, ઔડા તથા માર્ગ અને મકાન વિભાગના મળીને અંદાજિત 405 કરોડના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન થયા હતા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની પ્રોત્સાહક ઉપસ્થિતિમાં ગાંધીનગર લોકસભા વિસ્તારમાં કુલ 101 ઑક્સિજન પાર્ક તથા 155 નવી એસી ઇલેક્ટ્રિક BRTS-AMTS બસોનું લોકાર્પણ પણ કરાયું હતું.કેન્દ્રીય મંત્રી અમિત શાહે જણાવ્યું કે, ગાંધીનગર લોકસભા ક્ષેત્ર અને અમદાવાદ શહેરમાં પૃથ્વીના સંવર્ધન માટે એક અભૂતપૂર્વ જન અભિયાન હાથ ધરાયું છે. આ અંતર્ગત ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં આજે એક જ દિવસમાં 1,25,93,513 વૃક્ષો રોપવાનું ભગીરથ કાર્ય પૂર્ણ કરીને નવો વિક્રમ સ્થાપ્યો છે. આ ઉપરાંત, અમદાવાદના ત્રણેય લોકસભા વિસ્તારોમાં અલગથી 50 લાખ વૃક્ષો વાવવાનું મહત્ત્વાકાંક્ષી અભિયાન તેજ ગતિએ ચાલી રહ્યું છે. તેમણે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં ગ્રીનરીનું પ્રમાણ 11.23 ટકાથી વધારીને 20 ટકા કરવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.અત્યાર સુધીમાં ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં કુલ રૂ. 28,492 કરોડનાં કામો પૂર્ણ થયાં છે. આ સાથે નવી 80BRTSઅને 75 AMTS ઇલેક્ટ્રિક બસોનું લોકાર્પણ કરાતા હવે અમદાવાદ BRTS દેશની એકમાત્ર સંપૂર્ણ પ્રદૂષણ મુક્ત બસ સેવા બની ગઈ છે. ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે ગૃહમંત્રીએ દરેક નાગરિકને પોતાના ઘર પર સોલાર રૂફ્ટોપ લગાવવા અને સોસાયટીના દરેક ખૂણે વૃક્ષ વાવવા અપીલ કરી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો