શહેરના વસ્ત્રાલમાં 4 સપ્ટેમ્બરના રોજ સાંજે કચરો ફેંકવા નીકળેલા 54 વર્ષીય કપિલાબેન પ્રજાપતિ પર પાડોશીના જર્મન શેર્ફ્ડ શ્વાને અચાનક હુમલો કરી હાથમાં બચકું ભર્યું હતું. ગંભીર રીતે ઇજાગ્રસ્ત કપિલાબેનને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. અગાઉ પણ આ જ શ્વાને હુમલો કર્યો હોવા છતાં માલિક ધર્મિષ્ઠાબેન પ્રજાપતિએ કોઈ તકેદારી ન રાખતા રામોલ પોલીસે ગુનો નોધી તપાસ હાથ ધરી છે. એએમસી અને પોલીસમાં ફરિયાદ બાદ પેટ ડોગને પકડીને દાણીલીમડાના ડોગ વેલ્ફર સેન્ટર ખાતે ખસેડાયો હતો.
કપિલાબેન પ્રજાપતિ 4 સપ્ટેમ્બરે સાંજે ઘરમાંથી કચરો ફેંકવા બહાર નીકળ્યા એ સમયે મકાન નં-68માં રહેતા ધર્મિષ્ઠાબેન દિનેશભાઈ પ્રજાપતિના રાની નામના જર્મન શેફર્ડે એટેક કરી ઈજા પહોંચાડી હતી. મહત્વનું છે કે, ભોગ બનેલી આ મહિલાને પાંચ મહિના અગાઉ પણ આ જ જર્મન શેફર્ડે બચકાં ભર્યા હતા. ઘટના બાદ પેટ ડોગના માલિકે સુરક્ષાને લઈને કોઈ ગંભીરતા દાખવી ન હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. અમદાવાદ મ્યુ. કોર્પોરેશનની ટીમે કરેલી તપાસમાં આ પેટ ડોગનું વેકસિનેશન સર્ટિફિકેટ અને પેટડોગનું રજિસ્ટ્રેશન પણ કરાવ્યું હોવાનું સામે આવ્યું છે. હાલમાં શ્વાનના માલિક ધર્મિષ્ઠાબેન પ્રજાપતિ સામે રામોલ પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
