અમદાવાદ શહેરમાં વધતા જતા હવાના પ્રદૂષણ (Air Pollution)ને અંકુશમાં લેવા માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) હવે સખત એક્શન મોડમાં આવી ગયું છે. પ્રદૂષણ ફેલાવતા ઔદ્યોગિક એકમો સામે GPCBએ લાલ આંખ કરી છે અને અનેક એકમોને તેમજ મોટા ઔદ્યોગિક એસોસિએશનોને 'શો કોઝ' (કારણ દર્શાવો) નોટિસ ફટકારી છે.


મોબાઇલ વાન દ્વારા ચેકિંગ અને કડક પગલાં

GPCB દ્વારા કરવામાં આવેલા સઘન ચેકિંગ અને સર્વેલન્સ બાદ અમદાવાદમાં પ્રદૂષણના નિયમોનું ઉલ્લંઘન કરનારા 6 ઔદ્યોગિક એકમોની ઓળખ કરવામાં આવી હતી. આ તમામ 6 એકમોને GPCB દ્વારા સત્તાવાર 'શો કોઝ' નોટિસ ફટકારવામાં આવી છે, જેમાં તેમને પ્રદૂષણ ફેલાવવા બદલ નિયમોનું ઉલ્લંઘન કરવા પાછળનું કારણ દર્શાવવા અને ખુલાસો કરવા આદેશ અપાયો છે. પ્રદૂષણ સ્તરને સચોટ રીતે માપવા માટે GPCB દ્વારા મોબાઇલ વાન દ્વારા ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ વાન દ્વારા વિવિધ ઔદ્યોગિક વિસ્તારોમાં હવાની ગુણવત્તાનું સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ કડક સર્વેલન્સના આધારે જ GPCBએ માત્ર વ્યક્તિગત એકમોને જ નહીં, પરંતુ સમગ્ર ઔદ્યોગિક વસાહતોનું સંચાલન કરતા એસોસિએશનોને પણ નોટિસ ફટકારી છે.

આ ઔદ્યોગિક એસોસિએશનોને નોટિસ

GPCB દ્વારા પ્રદૂષણ અટકાવવામાં નિષ્ફળ રહેવા બદલ નીચેના મુખ્ય ઔદ્યોગિક એસોસિએશનોને પણ નોટિસ ફટકારવામાં આવી છે.

  • વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન
  • નરોડા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન
  • ઓઢવ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન
  • કઠવાડા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન
  • ગુજરાત વેપારી મહામંડળ ઔદ્યોગિક વસાહત

એસોસિએશનોને નોટિસ ફટકારીને GPCBએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે પ્રદૂષણ અટકાવવાની જવાબદારી માત્ર એકમોની જ નહીં, પરંતુ સમગ્ર ઔદ્યોગિક વસાહતનું સંચાલન કરતા સંગઠનોની પણ છે. જો આ એકમો યોગ્ય જવાબ નહીં આપે અથવા સુધારણા નહીં કરે, તો GPCB દ્વારા તેમના યુનિટ્સ બંધ કરવા સુધીના કડક પગલાં લેવામાં આવી શકે છે.

આ પણ વાંચો : Ahmedabad News : FRC નું પણ પાલન નથી કરતી આ મોટી સ્કૂલો, સેન્ટ ઝેવિયર્સ શાળાને DEO નો નોટિસ છતાં...


  • Follow us on: