અમદાવાદના સાબરમતી નદીના કિનારે આવેલા રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે બી.એ.પી.એસ. (BAPS) સંસ્થાના ઇતિહાસમાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ ઘટના, ‘પ્રમુખવરણી અમૃત મહોત્સવ’ની ભવ્ય ઉત્સવ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. બી.એ.પી.એસ.ના સ્થાપક શાસ્ત્રીજી મહારાજે સને 1950માં અમદાવાદની આંબલીવાળી પોળ ખાતે પ્રમુખસ્વામી મહારાજને બી.એ.પી.એસ.ના આજીવન પ્રમુખ તરીકે નિયુક્ત કર્યા, તેને ૭૫ વર્ષ પૂર્ણ થવાની આ ઉજવણી હતી.


દિલ્હી અક્ષરધામથી આંબળીવાળી પોળ સુધીનું મંચ

આ મહોત્સવ માટે તૈયાર કરવામાં આવેલ સ્ટેજની રચના પ્રમુખસ્વામી મહારાજની ઐતિહાસિક યાત્રાને અનોખી રીતે દર્શાવતી હતી. એક તરફ આંબળીવાળી પોળનું પ્રતીક હતું, જ્યાં તેમની પ્રમુખ તરીકે નિમણૂક થઈ હતી, અને બીજી તરફ દિલ્લી અક્ષરધામનું વિરાટ સ્વરૂપ ઊભું હતું, જે તેમની દિવ્ય દૃષ્ટિથી વિકસેલી વૈશ્વિક આધ્યાત્મિક સંસ્થાની આભાનું પ્રતીક હતું. આ મંચે એક નમ્ર પ્રારંભથી વિશ્વવ્યાપી સંસ્થા સુધીની યાત્રાની ઝાંખી કરાવી હતી.

મહાનુભાવોની હાજરી અને વક્તવ્યો

સાંજે ૫.૪૫ વાગ્યે ભારત સરકારના માનનીય ગૃહ મંત્રી અમિત શાહ, ગુજરાતના માનનીય મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ અને માનનીય નાયબ મુખ્ય મંત્રી હર્ષ સંઘવીનું કાર્યક્રમ સ્થળે આગમન થયું હતું, જ્યાં બી.એ.પી.એસ.ના વરિષ્ઠ સંતો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું.કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાના સંબોધનમાં પ્રમુખસ્વામી મહારાજ સાથેના અનેક સંસ્મરણોને યાદ કર્યા હતા અને હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેમણે પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી ગતિમાન બી.એ.પી.એસ.ની આધ્યાત્મિક અને સામાજિક સેવાઓની પ્રશંસા કરી હતી.બી.એ.પી.એસ.ના વરિષ્ઠ સંત ઈશ્વરચરણદાસ સ્વામી દ્વારા 'પ્રમુખવરણી અમૃત મહોત્સવ'નો અર્થ અને ઉદ્દેશ્ય સમજાવતું પ્રેરક ઉદ્બોધન રજૂ કરાયું હતું.

 સેવા, નમ્રતા અને અડગ શ્રદ્ધાના ગુણોનું નિરૂપણ

કાર્યક્રમની શરૂઆત પરિચયાત્મક વીડિયો અને બી.એ.પી.એસ.ના યુવકો દ્વારા વિષયવસ્તુ આધારિત નૃત્યથી થઈ હતી. 1950 માં જે દિવસે તેમને પ્રમુખ તરીકે નિયુક્ત કરાયા, તે જ દિવસે પ્રમુખ સ્વામી મહારાજે વાસણ ધોયા હતા, જે તેમની સેવા કરવાની અનોખી પ્રતિબદ્ધતા દર્શાવે છે.આકર્ષક વીડિયો અને વક્તવ્યો દ્વારા પ્રમુખસ્વામી મહારાજના અહં શૂન્યતા, અચળ શ્રદ્ધા અને વફાદારી જેવા ગુણોને ઉજાગર કરવામાં આવ્યા હતા. અક્ષરવત્સલદાસ સ્વામી અને નારાયણમુનિદાસ સ્વામી દ્વારા સેવકાર્યો અને અહં-શૂન્યતાના પ્રસંગો રજૂ થયા. આનંદસ્વરૂપદાસ સ્વામીએ અવિચળ વિશ્વાસ અને બ્રહ્મવિહારીદાસ સ્વામીએ અડગ પ્રતિબદ્ધતાના પ્રસંગો રજૂ કર્યા.

આરતી અને ભવ્ય આતશબાજી

કાર્યક્રમના અંતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ, મહાનુભાવો અને લગભગ 50,000 હરિભક્તોએ સાથે મળીને આરતી કરી ત્યારે અલૌકિક માહોલ રચાયો હતો. બાળ-કિશોર-યુવા વૃંદ દ્વારા નૃત્યાંજલિ પણ પ્રસ્તુત કરવામાં આવી હતી.‘પ્રમુખ વરણી અમૃત મહોત્સવની જય’ ના નાદ સાથે ભવ્ય આતશબાજીની અદભુત પ્રસ્તુતિ સાથે આ ઐતિહાસિક અવસરનું સમાપન થયું હતું. આ મહોત્સવ દ્વારા સૌને નમ્રતા, શ્રદ્ધા અને નિઃસ્વાર્થ સેવા જેવા મૂલ્યો આત્મસાત કરવાની પ્રેરણા મળી હતી. નોંધનીય છે કે 7000 જેટલાં સ્વયંસેવકોએ ત્રણ મહિનાની તૈયારીઓ કરી હતી. ટ્રાફિક સંચાલનમાં સરળતા રહે તે માટે ૪૫,૦૦૦ જેટલાં હરિભક્તો બસો દ્વારા ઉત્સવ સ્થળે પધાર્યા હતા. આ ઉત્સવનું live.baps.org અને આસ્થા ભજન ચેનલ પર લાખો ભક્તોએ લાઇવ સ્ટ્રીમિંગ દ્વારા નિહાળ્યું હતું.


વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 

  • Follow us on: