ગુજરાતમાં ચોમાસા જેવા માવઠાના માહોલ બાદ હવે સૂર્યનારાયણ લાલચોળ બન્યા છે. વાતાવરણમાંથી ભેજ ઓછો થતાં જ આકરા ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. હવામાન વિભાગની નવીનતમ વિગતો મુજબ, રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહ્યો છે અને મોટાભાગના મુખ્ય શહેરો અગનભઠ્ઠીમાં ફેરવાઈ ગયા છે. પશ્ચિમ અને ઉત્તર-પશ્ચિમ તરફથી આવતા ગરમ પવનોના કારણે લોકો હવે બપોરના સમયે ઘર કે ઓફિસની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

રાજકોટ અને અમદાવાદ ટોપ પર

તાપમાનના સત્તાવાર આંકડા જોઈએ તો, સૌરાષ્ટ્રનું આર્થિક પાટનગર ગણાતું રાજકોટ 42.7 ડિગ્રી તાપમાન સાથે રાજ્યમાં સૌથી વધુ શેકાયું છે. જ્યારે અમદાવાદ અને સુરેન્દ્રનગર 42.3 ડિગ્રી સાથે બીજા ક્રમે રહ્યા છે. પાટનગર ગાંધીનગરમાં પણ પારો 42 ડિગ્રીએ સ્થિર થયો છે. ઉત્તર ગુજરાતના ડીસામાં 41.2 ડિગ્રી અને હાઇવે બેલ્ટ ગણાતા કંડલામાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. મધ્ય ગુજરાતના વડોદરામાં 40.4 અને સરહદી ભુજમાં 40 ડિગ્રી સાથે અસહ્ય ગરમી પડી રહી છે. દક્ષિણ ગુજરાતના સુરતમાં દરિયાઈ પવનના કારણે પારો 37.2 ડિગ્રી રહ્યો છે, પરંતુ ભેજના ઊંચા પ્રમાણને લીધે ત્યાં પણ નાગરિકો બફારાથી તોબા પોકારી ઉઠ્યા છે.

રાત્રિના તાપમાનમાં પણ થશે વધારો

હવામાન વિભાગની સૌથી ચિંતાજનક આગાહી એ છે કે, હવે માત્ર દિવસના સમયે જ નહીં પરંતુ રાત્રિના સમયે પણ લોકોને ગરમીમાંથી કોઈ મોટી રાહત મળવાની નથી. મોડી રાત સુધી વાતાવરણમાં ગરમ પવન (લૂ) ફૂંકાશે, જેને કારણે રાત્રિનું લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં ઊંચું નોંધાશે. તબીબોએ આ આકરી ગરમી અને લૂથી બચવા માટે નાગરિકોને પુષ્કળ પ્રમાણમાં પ્રવાહી (પાણી, છાશ, લીંબુ પાણી) પીવા અને બપોરે બિનજરૂરી બહાર ન નીકળવાની સલાહ આપી છે.

આ પણ વાંચો: Surat: ઉત્રાણમાં નજીવી બાબતે મારામારી, જીવલેણ હુમલો કરનાર બે શખ્સોની પોલીસે કરી ધરપકડ