ગુજરાત ભાજપની પ્રદેશ કારોબારીની યાદી જાહેર કરવામાં આવી હતી. આ યાદીમાં ખાસ કરીને વિશેષ આમંત્રિત સભ્યો અને જૂના જોગીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. હવે શહેર અને જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવી છે. આજે સાંજે ભાજપ દ્વારા દાહોદ, આણંદ જિલ્લા અને જૂનાગઢ શહેરના હોદ્દેદારોની યાદી જાહેર કરવામાં આવી છે. જ્યારે રાજ્યના અન્ય શહેર અને જિલ્લાની યાદી આવતીકાલ સુધીમાં જાહેર થાય તેવી શક્યતાઓ છે.

ભાજપે બે જિલ્લા અને એક શહેરમાં હોદ્દેદારોની નિમણૂક કરી

જૂનાગઢ શહેર ભાજપમાં ત્રણ મહામંત્રી, આઠ ઉપપ્રમુખ અને આઠ મંત્રી સહિત અલગ અલગ હોદ્દાઓ પર નામોની જાહેરાત કરાઈ છે. જ્યારે દાહોદ જિલ્લામાં આઠ ઉપપ્રમુખ અને ત્રણ મહામંત્રી તેમજ આઠ મંત્રીઓની જાહેરાત કરાઈ છે. આ સિવાય આણંદ જિલ્લાની વાત કરીએ તો તેમાં પણ ઉપપ્રમુખ, મહામંત્રી અને મંત્રીની નિમણૂંક કરવામાં આવી છે. રાજ્યના અન્ય જિલ્લા અને શહેરમાં આવતીકાલ સુધીમાં હોદ્દેદારોની નિમણૂંક થાય તેવી શક્યતાઓ છે.

તાજેતરમાં જાહેર થયેલી ભાજપની નવી કારોબારી યાદી જાહેર

ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા પ્રદેશ ભાજપની નવી કારોબારી યાદી જાહેર કરવામાં આવી છે. આ યાદીમાં 79 સભ્યોનો સમાવેશ કરાયો છે. જ્યારે 26 આમંત્રિત સભ્યોને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આ યાદીમાં ખાસ કરીને રાજકોટમાંથી ધનસુખ ભંડેરી, કશ્યપ શુકલ, કમલેશ મિરાણી, અરવિંગ રૈયાણી, ભાનુબેન બાબરિયા અને રાજુ ધ્રુવને પણ સ્થાન આપવામાં આવ્યું છે. આમંત્રિત સભ્યોમાં સિનિયર નેતાઓ અને સાંસદોનો સમાવેશ કરાયો છે. જ્યારે પ્રદેશ કારોબારીમાં પૂર્વ જિલ્લા પ્રમુખ, પૂર્વ ધારાસભ્ય સહિતના નેતાઓને સ્થાન આપવામાં આવ્યું છે.


આ પણ વાંચોઃ Gujarat News : ગુજરાત ભાજપના સંગઠનમાં ધરખમ ફેરફાર, જાણો નવી કારોબારી યાદીમાં કોને સ્થાન મળ્યું