ગુજરાતના હવામાન વિભાગ દ્વારા રાજ્યના નાગરિકો અને ખાસ કરીને ખેડૂતો માટે એક મહત્વના સમાચાર જાહેર કરવામાં આવ્યા છે. રાજ્યમાં હવામાન પલટાવાની સાથે જ એક મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ ગયું છે. આ નવી વેધર સિસ્ટમ સક્રિય થવાના કારણે આગામી દિવસોમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ અને તીવ્ર પવન સાથે કમોસમી વરસાદ પડવાની પ્રબળ શક્યતા સેવાઈ રહી છે. હવામાન વિભાગે પવનની ગતિ અને વીજળીના કડાકા-ભડાકાને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્રને પણ એલર્ટ રહેવા સૂચના આપી છે.
ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદ
હવામાન વિભાગની સત્તાવાર યાદી અનુસાર, ઉત્તર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ શકે છે. જેમાં મુખ્યત્વે અરવલ્લી, મહીસાગર અને દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતના પંચમહાલ, વડોદરા અને છોટાઉદેપુરમાં પણ વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી ઝાપટાં પડે તેવી સંભાવના છે.













