ગુજરાત રાજ્યના શાળા સંચાલકો હવે સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. શાળા સંચાલક મહામંડળની વાર્ષિક બેઠકમાં ફી નિયમન કાયદા (FRC) અને ગ્રાન્ટેડ શાળાઓમાં ખાલી પડેલી જગ્યાઓ પર ભરતીના મુદ્દે સરકારને હાઈકોર્ટમાં પડકારવા માટે ઠરાવ પસાર કરવામાં આવ્યો છે.
શાળા સંચાલકો સરકાર સામે લડી લેવાના મૂડમાં
શાળા સંચાલક મહામંડળે ફી નિયમન મામલે મુખ્ય માંગણીઓ રજૂ કરી છે અને તેને કોર્ટમાં પડકારવાનો નિર્ણય લીધો છે. 15 હજાર સ્વનિર્ભર શાળાઓમાં ફી વધારવા સંચાલકો હવે ફી વધારવા માટે કોર્ટમાં અરજી કરશે. FRC કાયદો આવ્યાને 8 વર્ષ વિતી ગયા હોવા છતાં સ્વનિર્ભર શાળાઓના ફીના સ્લેબમાં વધારો કરવામાં આવ્યો નથી.
ફી વધારવા અને સ્લેબ સુધારવા માંગ
સંચાલકોએ FRC સમક્ષ નવા સ્લેબની માગ કરી છે. પ્રાયમરી ₹22,000, સેકન્ડરી ₹30,000, સામાન્ય પ્રવાહ: ₹35,000, વિજ્ઞાન પ્રવાહ: ₹40,000 જ્ઞાન સેતુ પ્રોજેક્ટમાં 7 ટકાના દરે વાર્ષિક વધારો કરવામાં આવે છે, તે જ રીતે FRC સ્લેબમાં પણ વધારો આપવા માટે માંગ કરવામાં આવી છે.
ગ્રાન્ટેડ શાળાઓમાં ભરતી મુદ્દો
રાજ્યની ગ્રાન્ટેડ શાળાઓમાં લાંબા સમયથી ક્લાર્ક અને પટ્ટાવાળાની જગ્યાઓ ખાલી પડી છે. શાળા સંચાલકોએ સરકારને આ અંગે અનેકવાર વિનંતીઓ કરી હોવા છતાં સરકારે આ વિનંતીઓને ગ્રાહ્ય રાખી નથી. પરિણામે, વહીવટી કાર્ય સરળ બનાવવા માટે આ ભરતી મુદ્દે પણ સરકારને કોર્ટમાં પડકારવા માટે ઠરાવ કરવામાં આવ્યો છે. મહામંડળે સ્પષ્ટ કરી દીધું છે કે સરકાર તેમની માંગણીઓ સ્વીકારશે નહીં, તો તેઓ કોર્ટ દ્વારા ન્યાય મેળવશે.
વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ