ગુજરાતની સૌથી મોટી અને પ્રતિષ્ઠિત ગુજરાત યુનિવર્સિટીમાં હાલ ભરતીનો ધમધમાટ ચાલી રહ્યો છે. યુનિવર્સિટી દ્વારા વિવિધ કેટેગરીની બિન-શૈક્ષણિક જગ્યાઓ માટે ભરતી જાહેર કરવામાં આવતા રાજ્યના શિક્ષિત બેરોજગારોમાં ભારે દોડધામ મચી છે. વર્ગ-1, 2 અને 3 ની કુલ 126 જગ્યાઓ માટે આશ્ચર્યજનક રીતે 11,138 જેટલી અરજીઓ પ્રાપ્ત થઈ છે.
જુનિયર ક્લાર્કની પોસ્ટ માટે સૌથી વધુ ક્રેઝ
ભરતીના આંકડાઓ પર નજર કરીએ તો સૌથી મોટો આંકડો ક્લાર્કની પોસ્ટ માટે જોવા મળ્યો છે. કુલ 10,237 અરજીઓ માત્ર ક્લાર્ક માટે આવી છે. જેમાં જુનિયર ક્લાર્કની 84 જગ્યાઓ માટે સૌથી વધુ 9,843 ઉમેદવારોએ અરજી કરી છે, જ્યારે સિનિયર ક્લાર્કની 7 જગ્યા માટે 394 અરજીઓ મળી છે. આ આંકડા સ્પષ્ટ કરે છે કે, સરકારી અને અર્ધ-સરકારી સંસ્થાઓમાં ક્લાર્કની નોકરી માટે યુવાનોમાં કેટલી સ્પર્ધા છે.
વિવિધ કેડરની જગ્યાઓ અને અરજીની વિગત
ગુજરાત યુનિવર્સિટીની અન્ય મહત્વની જગ્યાઓ માટે પણ સરેરાશ અરજીઓ મળી છે:
- એકાઉન્ટ ઓફિસર (1 જગ્યા): 69 અરજી
- સિક્યુરિટી ઓફિસર: 39 અરજી
- આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર: 29 અરજી
- લાઇબ્રેરિયન: 15 અરજી
- ચીફ એકાઉન્ટન્ટ (1 જગ્યા): 09 અરજી
- યુનિવર્સિટી ઈજનેર: 07 અરજી
- ડેપ્યુટી રજિસ્ટ્રાર: 04 અરજી
દિવ્યાંગ કેટેગરી અને અન્ય જગ્યાઓ
દિવ્યાંગ કેટેગરીની 14 જગ્યાઓ માટે 383 અરજીઓ મળી છે, જેમાં જુનિયર ક્લાર્કની 4 જગ્યા માટે 299 ઉમેદવારો મેદાનમાં છે. જોકે, નવાઈની વાત એ છે કે, 2 જગ્યાઓ એવી પણ છે, જેમાં એકપણ લાયક ઉમેદવાર મળ્યો નથી. હોસ્ટેલ વોર્ડન જેવી જગ્યા માટે માત્ર 2 અરજીઓ આવી છે. શૈક્ષણિક અને બિન-શૈક્ષણિક સ્ટાફની અછત દૂર કરવા માટે યુનિવર્સિટી દ્વારા આ પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે. 10 હજારથી વધુ યુવાનો મેદાનમાં ઉતરતા હવે આગામી સમયમાં લેવાનાર પરીક્ષા અને મેરિટ લિસ્ટ પર સૌની નજર રહેશે.
આ પણ વાંચો - Ahmedabad Breaking News : પોલીસ પંચાતનો સૌથી મોટો પડઘો, લખાયાના ગણતરીના કલાકોમાં 27 પોલીસ ઈન્સ્પેક્ટરની બદલી









