રાજ્યમાં ચોમાસાના આગમનની આતુરતાથી રાહ જોઈ રહેલા નાગરિકો અને જગતના તાત માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે દેશ અને રાજ્યમાં ચોમાસાની વર્તમાન સ્થિતિને લઈને એક અત્યંત ચિંતાજનક નિવેદન આપ્યું છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, હાલમાં ચોમાસું આગળ વધવા માટે સાનુકૂળ વાતાવરણ નથી અને સપ્ટેમ્બર મહિનામાં ઘાતક 'અલ-નીનો' સક્રિય થવાની મોટી ભીતિ સેવાઈ રહી છે.
કેમ અટકી ગયું ચોમાસું?
સામાન્ય રીતે જૂન મહિનાની શરૂઆતમાં મહારાષ્ટ્ર અને મુંબઈ સુધી પહોંચી જતું ચોમાસું હાલ પૂરતું અટકી ગયું છે. અંબાલાલ પટેલે ખુલાસો કર્યો છે કે, હાલમાં અરબ સાગર જોઈએ તેટલો સક્રિય નથી. અરબ દેશોમાંથી આવી રહેલા ગરમ અને સૂકા પવનોના કારણે ચોમાસાની જે સિસ્ટમ બની હતી તે નબળી પડી ગઈ છે. આ જ કારણ છે કે, મુંબઈમાં ચોમાસાની ગતિ થંભી ગઈ છે.
ગુજરાતમાં ભેજનું પ્રમાણ ઘટ્યું
અરબ દેશોના સૂકા અને ગરમ પવનોની સીધી અસર ગુજરાતના વાતાવરણ પર પણ જોવા મળી રહી છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વાતાવરણમાં ભેજનું પ્રમાણ નોંધપાત્ર રીતે ઘટી ગયું છે. ભેજ ઘટવાના કારણે વરસાદ લાવતા વાદળો બંધાવામાં મુશ્કેલી પડી રહી છે, જેને લીધે ગરમી અને અસહ્ય ઉકળાટનો સામનો કરવો પડી રહ્યો છે.
સપ્ટેમ્બરમાં 'અલ-નીનો'નો મોટો ખતરો
અંબાલાલ પટેલે ચોમાસાના પાછલા નિત્યક્રમ અંગે મોટી ચેતવણી આપતા જણાવ્યું છે કે, સપ્ટેમ્બર મહિનામાં 'અલ-નીનો'ની ઘાતક અસર જોવા મળી શકે છે. જો સપ્ટેમ્બરમાં અલ-નીનો સક્રિય થશે, તો ચોમાસાના અંતિમ ચરણમાં વરસાદ ખેંચાવાની અથવા નબળો પડવાની પૂરેપૂરી આશંકા છે, જે કૃષિ ક્ષેત્ર માટે ચિંતાનો વિષય બની શકે છે.
15 જૂન પછી આશાનું કિરણ
જોકે, ચિંતાની આ સ્થિતિ વચ્ચે અંબાલાલ પટેલે રાહતના સમાચાર પણ આપ્યા છે. વર્તમાન હવામાન પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે, અને એવી આશા છે કે 15 જૂન પછી વાતાવરણમાં ફરી પલટો આવશે અને ચોમાસું ધીમે-ધીમે આગળ વધશે. 15 જૂન બાદ સાનુકૂળ સિસ્ટમ સક્રિય થતાં જ ગુજરાત તરફ ચોમાસાની પ્રગતિ ફરી શરૂ થઈ શકે છે.
આ પણ વાંચો - Weather Update: અસહ્ય ઉકળાટ વચ્ચે આગામી 7 દિવસ વરસાદની આગાહી, જાણો 16 જૂનથી ક્યાં તૂટી પડશે વરસાદ?